<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરમાં ચુંટણી નહી જીતી શકેઃ ગોપાલ રાય

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારીનો શંખનાદઃ સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીમાં ૯ હજાર સીટો ઉપર ઉમેદવારોને ઉભા રાખીશું ફોર્મ ભરતી વખતે ૧ લાખની જનમેદની ઉમટશેઃ ગોપાલ ઇટાલીયાઃ વિસાવદરની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશેઃ ઇસુદાન ગઢવી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૪: આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન યોજીને ૨૦૨૭ની ચૂંટણીનો શંખનાદ કર્યો છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ડેડીયાપાડાના ધારાસભ્‍ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્‍ય હેમંત ખવા સહિત મોટી સંખ્‍યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી એ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી અને વિસાવદરની ચૂંટણી તથા ત્‍યારબાદ આવનારા કાર્યક્રમો અને અભિયાનોની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, આજે સમગ્ર ગુજરાત પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા સમયમાં લોકો પૂછી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્‍પ કયો છે? પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂરી નહીં પરંતુ મજબૂરી છે, અત્‍યાર સુધી લોકોએ ભાજપને મજબૂરીમાં વોટ આપ્‍યા છે. પરંતુ હવે બદલાવની શરૂઆત થઈ ગઈ છે અને એટલા માટે જ આજે વિસાવદરની ધરતી પર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો આજે ઉપસ્‍થિત છે. ગુજરાતમાં એક મિથ્‍યા હતી કે ગુજરાતમાં લોકો ત્રીજા પક્ષને અપનાવતા નથી પરંતુ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને ૪૧ લાખથી વધુ વોટ આપ્‍યા ત્‍યારે નક્કી થઈ ગયું કે લોકો ત્રીજા પક્ષને અપનાવે પણ છે.

 આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ બનાવી દીધી છે અને ત્રણ અલગ અલગ ચરણમાં ૨૦૨૭ સુધી અમારું અભિયાન ચાલશે. હાલ ક્‍વોટર ફાઇનલની ચૂંટણી છે, સેમી ફાઈનલ જાન્‍યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે અને ફાઇનલ મેચ આપણે ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણીમાં થશે. હું ભાજપને સ્‍પષ્ટ કહેવા માગું છું કે ભાજપ આવનારા ૭૦ વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં. કારણ કે વિસાવદરનો ખેડૂત અને વિસાવદરના યુવાનો કયારેય પણ ભાજપ સામે ઝુકશે નહીં. આજથી અમે વિસાવદરની ચૂંટણીનો શંખનાદ કરી રહ્યા છીએ. જ્‍યારથી વિસાવદરની ચૂંટણીનું એલાન થશે, ત્‍યારથી હું પણ વિસાવદરના ખેડૂતો સાથે આવીને બેસીશ. ત્‍યારબાદ જ્‍યારે જાન્‍યુઆરી ફેબ્રુઆરીમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી થશે ત્‍યારે ૯૦૦૦ સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. ૨૬ લોકસભા ૧૮૨ વિધાનસભામાં અમે પ્રભારીઓને જવાબદારી સોંપી દીધી છે. તમે જોશો કે ફક્‍ત એક વર્ષમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સમગ્ર ગુજરાતમાં એટલું મજબૂત હશે કે ભાજપ પણ કહેશે કે જો સંગઠન બનાવતા શીખવું હોય તો આમ આદમી પાર્ટી પાસેથી શીખવું પડે. ૧ મે ના રોજ ગુજરાતનો સ્‍થાપના દિવસ છે, આ દિવસથી આપણે અમદાવાદથી એક અભિયાન શરૂ કરીશું. ૧ મે થી ૧૫ જૂન સુધી ગુજરાતના તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં આમ આદમી પાર્ટી જનતા સાથે મળીને પરિવર્તન સભાનું આયોજન કરશે.

 આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની જનતા સમક્ષ અને હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, જે ધરતી પરથી કેશુબાપા જેવા ખેડૂત નેતા ધારાસભ્‍ય બન્‍યા હોય એ ધરતી પરથી પ્રતિનિધિત્‍વ કરવા માટે મને જે તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્‍ય છે. હાલ હું ગામડે ગામડે ફરી રહ્યો છું અને લોકોની વેદનાઓ જાણી રહ્યો છું. મેં એક ડાયરીમાં લોકોની વેદનાઓ અને લોકોની તકલીફો લખી છે. વિસાવદરની નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની આ વિસ્‍તારની એક સીટને છોડીને બાકી તમામ જગ્‍યાએ ભાજપ છે.

ઇકોઝોન, પાક વીમો પાંચ લાખનું ધિરાણ, જંગલ ખાતાની કનકડત ખેડૂતો યુવાનોની પરિસ્‍થિતિ આવી તમામ બાબતોને યાદ રાખીને તમારે આમ આદમી પાર્ટીનું બટન દબાવવાનું છે. હું ફરી એક વાર વિસાવદરના લોકો ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો મને આશીર્વાદ આપો. હું તમારા લોકોના ભરોસે બેઠો છું. હું ભાજપ અને કોંગ્રેસના વિસાવદર ભેસાણમાં રહેતા કાર્યકર્તાઓને કહેવા માગું છું કે તમારી પાર્ટીને અહીંના લોકોએ અનેકવાર તક આપી પરંતુ હવે એક તક ખેડૂતના દીકરાને જીતાડવા માટે આવી છે અને જો તમે બધા સાથે મળી જાઓ તો ખેડૂતોની જીત થાય એમ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત કરતા જણાવ્‍યું હતું કે, વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે અને જો આ વખતે આ ખમીરવંતી જનતાને ડરાવશે ધમકાવશે તો આખું ગુજરાત વિસાવદરની જનતા સાથે છે એ બતાવવા માટે અમે આજે સૌ અહીંયા ભેગા થયા છીએ. વિસાવદરમાં ગોપાલભાઈનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્‍યારબાદ તાત્‍કાલિક મુખ્‍યમંત્રીએ વિસાવદરમાં આવવું પડ્‍યું અને ૧૦૦ કરોડના કામ જાહેર કરવા પડ્‍યા તો વિચારો કે ગોપાલભાઈ જીતી જશે તો સરકારે બીજા કેટલા હજાર કરોડના કામો જાહેર કરવા પડશે. આ તાકાત છે અમારી અને તમારી એકતાની. વિસાવદરમાં આખા અમરેલી ધારી સહિતના વિસ્‍તારમાં ઇકોઝોન લાવવાની  તૈયારી કરાઈ રહ્યું છે. જંગલ બચાવવાની ચિંતા આપણને છે પરંતુ તે લોકોને જમીનો જોઈએ છે, ખનીજ જોઈએ છે. તો એ લોકોને રોકવાનું કામ આપણે સાથે મળીને કરવું પડશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને આપણા અધિકારો છીનવવાવાળા લોકો આપણને પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકતા નથી, આજે પણ ખેડૂતો મજદૂરો, યુવાનો, મહિલાઓને આજે પણ આઝાદી મહેસુસ થઈ રહી નથી. એવા સમયમાં એક વ્‍યક્‍તિએ આ પ્રશ્ન વ્‍યવસ્‍થાને બદલવાનો સંકલ્‍પ કર્યો એવા આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગરીબ અને મધ્‍યમવર્ગમાંથી આવતા લોકોને એક મજબૂત પ્‍લેટફોર્મ આપ્‍યું છે અને એ પ્‍લેટફોર્મ એટલે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી એટલે દિવસ રાત મહેનત કરવાવાળા પ્રમાણિક લોકોની પાર્ટી. આપણા માટે ગર્વની બાબત છે કે જ્‍યારે આપણે પહેલી વખત  ૨૦૨૨માં ચૂંટણી લડ્‍યા ત્‍યારે ગુજરાતના લોકો ૪૧ લાખ જેટલા વોટ આપીને એક સંદેશો આપ્‍યો અને અને પાંચ ધારાસભ્‍યો ચૂંટાયા. જો આપણે વધુ મજબૂતીથી કામ કરીશું સંગઠન બનાવીશું અને ઘરે ઘરે પહોંચીશું તો હાલ જે લોકો આપણી સામે બેઠા છે તેમાંથી જ અનેક લોકો ચૂંટાઈને વિધાનસભામાં જશે અને આપણી સાથે મળીને સરકાર બનાવીશું.

 ધારાસભ્‍ય ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્‍યો પોતાના મતવિસ્‍તારમાં ખેડૂતોના મુદ્દે, વિદ્યાર્થીઓના મુદ્દે, મહિલાઓના મુદ્દે, દલિતોના મુદ્દે, આદિવાસીઓના મુદ્દે, વિકાસના મુદ્દે, વ્‍યવસ્‍થાના મુદ્દે વિધાનસભામાં ખૂબ જ તાકાતથી રજૂઆત કરીએ છીએ, અવાજ ઉઠાવતા રહીએ છીએ અને અમારી જનતા માટે કામ કરતા હોઈએ છીએ, તો વિસાવદરની જનતાને અમે વિનંતી કરવા માટે આવ્‍યા છીએ કે એકવાર ગોપાલભાઈને વિસાવદરની વિધાનસભા ચૂંટણીમાં વિજય બનાવી દો ત્‍યારબાદ અમે લોકો ભાજપની તાનાશાહી સામે લડવા માટે તૈયાર છીએ.

આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્‍યક્ષ રાજુભાઈ કરપડાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, જૂનાગઢની ભૂમિને ક્રાંતિની ભૂમિ કહી શકાય, વિસાવદરના મતદારોએ ગુજરાતની પરિવર્તનની દિશા આપવાનું કામ કર્યું છે. જે લોકો પોતાની પાર્ટીને દુનિયાની સૌથી મોટી પાર્ટી માને છે તે લોકોને તેમની ઔકાત બતાવવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે. અમે સાંભળ્‍યું છે કે ભાજપ એવા ઉમેદવારને લાવવા માંગે છે જેની પાસે પૈસાનો પાવર છે, મસલ પાવર છે  એવા લોકોને સંદેશો આપવા માટે આજે અમે અહીંયા આવ્‍યા છીએ. આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો અને ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા શિક્ષકો અને યુવાનોની નજર આજે વિસાવદર પર છે. માટે આ ચૂંટણી ભૂતકાળની ચુંટણીઓ સમાન નથી. આજે જેના પર ગુજરાતના યુવાનોની નજર છે અને જેને લોકો આદર્શ સમજે છે એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાને અમે વિસાવદરના મતદારોના ખોળે મુકવા માટે અમે આવ્‍યા છીએ. તો હવે ગોપાલભાઈ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી વિસાવદરના લોકોની છે.

(1:55 PM IST)