News of Tuesday, 15th April 2025
ભુજમાં ભયાનક અગ્નિકાંડ : પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ૧૦૦૦થી વધુ વાહનો સળગીને ખાખ : જૂની જેલના પરિસરમાં રાખેલી સંપત્તિ સ્વાહા : જુઓ વિડીયો
કડાકા-ભડાકા અને આકાશમાં ઊંચે સુધી ફેલાયેલા કાળા ધુમાડાના ગોટેગોટાથી ભુજ શહેરના જૂની જેલ વિસ્તારમાં ભયનું વાતાવરણ : ચાર કિલોમીટર સુધી ધુમાડાના વાદળો છવાયા : ત્રણ પોલીસ સ્ટેશનના જપ્ત વાહનો રાખના ઢગલામાં ફેરવાયા : આગના કારણ અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

ભુજ (કચ્છ): ભુજ શહેરમાં એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે, જેમાં શહેરની જૂની જેલના પરિસરમાં રાખવામાં આવેલા પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ૧૦૦૦થી વધુ વાહનો ભીષણ આગમાં સળગીને સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં કડાકા અને ભડાકાના અવાજો સંભળાયા હતા અને આકાશમાં ઊંચે સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ધુમાડા ચાર કિલોમીટર દૂર સુધી જોવા મળી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એ ડિવિઝન, બી ડિવિઝન અને માધાપર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા આ વાહનોને જૂની જેલ હવે બંધ હોવાથી તેના પરિસરમાં રાખવામાં આવ્યા હતા. અચાનક કોઈ કારણોસર અહીં આગ લાગી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી.
ભુજ શહેરના ફાયર બ્રિગેડના ચાર જેટલા બંબાઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જો કે, ત્યાં સુધીમાં તો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સેંકડો વાહનો સળગીને રાખ થઈ ગયા હતા. આ વાહનોમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને અન્ય પ્રકારના વાહનોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ભુજ શહેર પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ કયા સંજોગોમાં લાગી તેની માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે પોલીસને જપ્ત કરાયેલા વાહનોના પુરાવાઓનું મોટું નુકસાન થયું છે. આ ઘટના અંગે વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
