<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

હજારો લોકોના જીવ ઊંચા કરનાર એ આગનું કારણ શું? ભુજમાં પોલીસના કબ્જા હેઠળના ૧૦૦૦ થી વધુ વાહનો સળગી ઉઠતા અનેક સવાલો

૧૫ કિમી સુધી ધુમાડા, વાહનોની બેટરી બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ, ગેસ સિલિન્ડરો અને ડીઝલ પણ સ્વાહા, જૂની જેલની દિવાલો ઊંચી હોઈ મોટી દુર્ઘટના ટળી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :   કાળા ડિબાંગ ધુમાડાઓ અને ધડાકાના અવાજો સાથે આગની જ્વાળાઓ સાથે ભુજના રહેણાંક વિસ્તારોના રહેવાસીઓ અને ધંધાર્થીઓમાં ગભરાટ સર્જનાર આગનો બનાવ ભુજ સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચકચાર સર્જતા આ બનાવનું કારણ છે, ત્રણ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ૧૦૦૦ થી યે વધુ વાહનો (બિન સત્તાવાર અંદાજ અનુસાર આ આંકડો ૧૫૦૦ થી પણ વધુ હોઈ શકે છે.) બળીને રાખ થઈ ગયા. ભુજના સરપટ ગેટ પાસે ભૂકંપ બાદ બંધ થયેલ જૂની જેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલી છે. અહીં એ/બી ઉપરાંત માધાપર પોલીસ સ્ટેશનના જપ્ત કરાયેલા સેંકડો વાહનો ઉપરાંત ડીઝલ તેમ જ ગેસ સિલિન્ડરો રખાયા હતા. જેમાં ગઈ કાલે એકાએક લાગેલી આગના બનાવે ચકચાર સર્જી છે. આગના બનાવ બાદ ભુજ પાલિકાના ૪ ફાયર ફાઈટર દ્વારા દોઢ કલાક સુધી એક લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો. રહસ્ય સર્જનાર આગનો બનાવ કેવી રીતે બન્યો અંદર શું મુદ્દામાલ હતો વિગેરે સંદર્ભે પશ્ચિમ કચ્છ પોલીસ આજે પત્રકાર પરિષદમાં સત્તાવાર માહિતી આપશે.

(9:30 AM IST)