News of Thursday, 17th April 2025
જૂનાગઢના યુવક સાથે અજાણ્યા ગઠિયાઓની ૯૫ લાખની ઓનલાઇન છેતરપિંડી
વોટ્સએપ મેસેજ પર વિશ્વાસ કરવા જતા ગ્રાફિક ડિઝાઇનરે મોટી રકમ ગુમાવી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: જૂનાગઢમાં મોતીબાગ પાસે આવેલ રાયજીનગરમાં રહેતા ૩૩ વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર અને બી ટેક યુવક પાર્થ જીતેન્દ્રકુમાર આરદેશણાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂપિયા ૯૫,૪૭,૨૯૪ની ઓનલાઇન નાણાકીય છેતરપિંડીની ફરિયાદ કરતા સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘર બેઠા ઓનલાઇન ગ્રાફિક ડિઝાઇનર નું કામ કરતા અને નિવળત્ત બેન્ક કર્મચારીના પુત્ર પાર્થ આરદેશણાની ફરિયાદ અનુસાર ગઈ તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ બપોરે ઘરે હતો તે દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબરના વ્હોટ્સએપ ઉપરથી ‘હું શ્રુતિ વાત કરું છું અને મને જોબ માટેની માહિતી મળેલ છે જેથી હું તમને આ બાબતે જાણકારી આપીશ' તેમ જણાવતા યુવકે કોઈપણ ફાઇનાન્સિયલ રોકાણ વગરનું કામ હોય તો જણાવવા કહ્યું હતું. આથી સામેવાળી વ્યક્તિએ અમારી કંપનીનું નામ Rent. છે જે આખી દુનિયામાં ઓનલાઇન વર્ક દ્વારા ઘર લે વેચ તથા ભાડે આપવાનું કામ કરે છે. તેની જાહેરાત કરવાની ઓનલાઈન કામગીરી કરવાથી કમિશન મળશે. તેમ કહી વેબસાઈટની લીંક મોકલી હતી. જેમાં ઓનલાઇન કામ કરતા કમિશન પેટે રૂપિયા ૭૪૬ મળ્યા હતા. દરમિયાન શ્રુતિએ તેના ગ્રુપમાં એડ કરી ગ્રુપ મેમ્બરો રોકાણ કરી મોટું કમિશન મેળવતા હોવાનું જણાવી અને જમા થયેલ નાણાંના સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા. આમ વિશ્વાસ આવી જતા યુવકે ગઇ તારીખ ૨૭ જાન્યુઆરીથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. અજાણ્યા શખ્સોઍ યુવાન પાસેથી કુલ રૂપિયા ૯૫,૪૭,૨૯૪ ભરાવ્યા હતા. અને રૂપિયા ૧,૮૧,૮૮,૪૭૩ પરત મળી જશે વધારે રૂપિયા ભરવાનું નહીં પડે તેમ જણાવ્યું હતું પરંતુ બેંક ખાતામાંથી વિથડ્રો નહિ થતા શંકા જવાથી અંતે પાર્થ આરદેશણાઍ રૂપિયા ૯૫,૪૭,૨૯૪ની છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
યુવક પાસેથી યુપીઆઈઆઇડી, જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૯૬,૭૩,૨૨૪ જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વધુ લાલચ આપી રૂપિયા ૧,૨૫,૯૩૦ જેવી રકમ યુવકને પરત કરી હતી. લિંક ઉપર બનેલ યુવાનની આઈડીમાં રૂપિયા ૧,૮૧,૮૮,૪૭૩ જમા બોલતા હતા. આ રકમ વિદેશી બેંકો માંથી અટકી ન જાય તેની સલામતી માટે યુવકનો વીમો ઉતરાવ્યો હતો. જે માટે રૂપિયા ૧૭,૮૦,૯૯૧ ભરાવ્યા હતા અને ન્યૂયોર્ક શહેરના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસના યુનાઇટેડ હેલ્થ ગ્રુપ વીમા પોલિસીના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતા.
ફરિયાદ અનુસાર અજાણ્યા શખ્સોઍ ઇન્ડિયન બેન્ક, ઍચડીઍફસી બેન્ક, ઍસબીઆઇ, ફેડરલ બેંક, બંધન બેન્ક, સીટી યુનિયન બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક સહિત ૨૨ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરાવી યુવાન પાસેથી ૨૨ ઍપ્રિલ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન કટકે કટકે રૂપિયા ૯૫,૪૭,૨૯૪ ભરાવી પરત આપ્યા ન હતા. સાયબર પોલીસે આ મુજબની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.(૬.૮)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
