<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ભાવનગરના તળાજામાં મોરના ઈંડા રાખવાના કેસમાં ત્રણ આરોપીને ત્રણ વર્ષની સજા : 10 વર્ષ બાદ ચુકાદો

તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત માનીને ત્રણ વર્ષની સજા ફટકારીને નવો એક દાખલો બેસાડ્યો

ભાવનગર જિલ્લાના તળાજાના ફુલસર ગામના ત્રણ ઈસમોએ રાષ્ટ્રીય પક્ષી મોરના ઈંડાને ગેરકાયદેસર રીતે રાખેલા હોય તેવી બાતમીના આધારે વન વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને લગતા ખાસ કાયદાને અનુસરીને કાર્યવાહી કરી હતી. જે કેસમાં તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત માનીને ત્રણ વર્ષની સજા ફટકારીને નવો એક દાખલો બેસાડ્યો હતો.

તળાજા વન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર વર્ષ 2014માં આ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફૂલસર ગામના રહેવાસી ધીરુભાઈ નાનુભાઈ વાઘેલા, વલકુભાઈ પુનાભાઈ વાઘેલા અને નીરુભાઈ પુનાભાઈ વાઘેલા પાસેથી મોર (માદા) જીવિત પાંચ ઈંડા મળી આવ્યા હતા.

આરોપીઓએ તે પાંચે ઈંડાને તેઓના ઘરે લઇ જઈ પાલતુ મરઘીના ઈંડા સાથે આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરીને તેને ખાવાનો ઈરાદો ધરાવતા હતા.

 

તેઓની વિરુદ્ધ વ.પ્રા.સં.અધિ – 1972ની કલમ : ૨(૧૬), ૯, ૨(૩૬), ૨(૩૭), ૪૦(૧), ૫૦(૧)(ખ),(ગ) અને ૫૧ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.

અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972ના અનુસૂચિ – 1મુજબનું વન્યજીવ છે. વધુમાં ભારતના બંધારણના અનુચ્છેદ 51(અ) મુજબ રાષ્ટ્રીય ધરોહરનું કાયદાકીય સંરક્ષણ કરવું એ તમામ ભારતીય નાગરિકની ફરજ છે.

આવા સંજોગોમાં આ રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરવાનો ઈરાદો ધરાવનારા ઈસમોને જો છોડી મુકવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી ભારત દેશમાંથી નામશેષ થઇ જશે. જેથી સમાજમાં દાખલો બેસે અને આ રાષ્ટ્રીય પક્ષી તથા વન્યજીવોનું સંરક્ષણ થાય તે હેતુથી આ કામના આરોપીને મહત્તમ સજા કરવા દલીલ કરેલ.

જે દલીલને ધ્યાને લઇ તળાજા સિવિલ કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા તથા પ્રત્યેક આરોપી દીઠ રૂ. દસ હજારનો દંડ ભરવા અંગે હુકમ કરવામાં આવ્યો હતો.

 

(9:22 PM IST)