<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સોમનાથમાં સચવાયેલો છે વિસરાતી વિરાસતનો અઢળક વારસો

આજે ''વર્લ્ડ હેરિટેજ ડે'' : બ્રહ્મકુંડ, ગૌરીકુંડ, જળપ્રભાસ, ભીમઘાટ, શંખેશ્વર વાવ, માટીવાવ, ટીપણી, નૃત્ય, ધમાલ નૃત્ય આજે પણ આકર્ષણરૃપ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૮ : દુનિયાભરના કલા-સ્થાપ્તય વારસા જતન-મુલ્ય અર્થે યુનેસ્કો દ્વારા પ્રતિવર્ષ ૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ-ડે મનાવામાં આવે છે.

લોકો વિશ્વના વારસાને જાણે અને આ સમૃધ્ધ વારસાને સાચવે તે માટે આ દિવસ યુનેસ્કોની અપીલ ઉપર સમગ્ર દુનિયામાં વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની તીર્થ ભૂમિ પૂર્વજોએ આપેલા સ્થાપ્તય અને સંસ્કૃતિનો દરિયો સાચવીને બેઠુ છે. પ્રભાસ-પાટણ પોલિસ કવાટર્સની નજીક અને વેરાવળ ખાતે પોલિસ સ્ટેશનની નજદીક આજે પણ જીર્ણ અવસ્થામાં હયાત પ્રાચીન દરવાજો ઇ.સ. ૧૧અને ૧ ર મી સદીમાં બંધાયેલો છે. લોકભાષામાં તેને નાનો ઝાંપો-મોટો ઝાંપો કહે છે. દરવાજા ઉપર કોતરણી યુકત ઝરૃખો છે અત્યારે આ દરવાજાની આપણે કદાચ સમજ નહીં હોય પરંતુ જે તે કાળમાં કિલ્લો હોવાથી માત્ર આ દરવાજાઓમાંથી જ પ્રવેશી શકાતું અને રાત્રે પ્રવેશ બંધ સાથે લાકડાના ડંગાવાળા મજબુત ચોકીદારો બેસતા દિવસભર પસાર થતા વાહનોમાં કોણ છે કયાં જાય છે શું કામે જાય છે તેની પુછપરછ કરી સંતોષકારક જવાબ મળે તો જ પ્રવેશ અપાતો.

સોમનાથ શાક બજારમાં અને સોમનાથ ટ્રસ્ટના યાત્રિ સુવિધા ભવનમાં વિર્સજીત પ્રાચીન સોમનાથ મંદિરના શિલ્પ-સ્થાપ્તય સચવાયેલા છે જે ૧૧ મી ૧ર મી સદીના હોવાનું માનવામાં આવે છે.

ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાની સરહદ ઉપર આવેલા વાંકીયા નામના ગામે શાણા વાંકીયાના પૌરાણીક ગુફાઓ આવેલ છે જેને લોકવાયકા મુજબ ભીમ અને હેડંબાની કથા સહિત અનેક કથાઓ જોડાયેલી છે. પુરાતત્વ ખાતાએ આ સ્થળને રક્ષિત સ્થળ જાહેર કરેલ છે.

તાલાલા તાલુકાના ભીમ દેવળ ગામે સૂર્ય સર્મપિત નવમી સદીનું પાંડવ પુત્ર ભીમે વસાવેલું ભીમ દેવળ પ્રાચીન સ્થાપ્તય તરીકે આજે પણ સચવાયેલું છે.

સોમનાથમાં વેણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે જે ૧૩-૧૪ મી સદીમાં બંધાયેલું છે. જેની કથાનો પ્રસંગ આજેય પણ શિવલિંગ ઉપર નિહાળી શકાય છે. આ સ્થળ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલ છે.

નગરાપુરનું સૂર્યમંદિર પ્રભાસ-પાટણના હિરણ નદીને કાંઠે શીતળા માતાજી મંદિર પાસે આવેલ છે.

આ મંદિરનો જીર્ણોધ્ધાર તેરમાં સૈકામાં થયેલો માનવામાં આવે છે. હાલ વપરાશ નથી પરંતુ પ્રાચીન ઇતિહાસકારો માટે દર્શનીય-અભ્યાસ કરવા લાયક છે સુત્રાપાડામાં આવેલ સુર્ય મંદિર ઇસુના સાતમા સૈકાની આસપાસ બનેલું ગણવામાં આવે છે. એવી જ રીતે સુત્રાપાડામાં આવેલ નવદુર્ગા મંદિર સં. ૧૮૦૭ શાકે ૧૭૧૩ માં દીવાન રણછોડજી અમરજીએ જીર્ણોધ્ધાર કરાવ્યાનો ઇતિહાસકારોનો મત છે. ગોખમઢીની પ્રાચીન જગ્યા આજેય પણ દર્શનીય છે જેની ઇ.સ. ૧૮૪ર માં સર લી ગ્રાંન્ટ જેકબે મુલાકાત લીધી હતી તેમ જણાવાય છે. સોમનાથથી સુત્રાપાડા જતા રસ્તે કદવાર ગામે દશાવતાર વારાહ મંદિર આવેલું છે જે અતિ પ્રાચિન અને ગુપ્ત કાળમાં બંધાયુ હોવાનો એક મત છે.

સોમનાથ પ્રાચીન સ્થાપ્તય-સંસ્કૃતિ સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે પ્રભાસ અને તેના આસપાના તાલુકાઓમાં પ્રાચીન વિરાસતના અનેકો સ્થાપ્તયો-આસ્થા મથકો-આશ્ચર્ય જનક અનુભૂતિ કરાવતા સ્થળો-સંસ્કૃતિઓ વરસોથી છવાયેલ છે.

પ્રભાસના પંડવા ગામે પ્રાચીન વરસોથી ગામની માત્ર એક જ ડંકીમાં શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસું ગરમ પાણી જ નીકળે. જે આજે શું સ્થિતી છે તેેની જાણકારી નથી.

કોડીનાર પાસે આવેલ જગતીયા ગામની સીમમાં જમીનમાંથી બારેય માસ રાઉન્ડ-ધ-કલોક ગેસની અગ્નિ જવાળા પ્રજવલિત જ રહે છે જે આશ્ચર્ય સર્જક છે.

 તો તુલશીશ્યામના ગરમ પાણીના કુંડની વાત ઇતિહાસથી સૌ માટે જાણીતો છે.  પ્રભાસના બ્રહ્મકુંડ, ગૌરીકુંડ, જળપ્રભાસ, ભીમઘાટ, પ્રભાસની પ્રાચીનવાવો શંખેશ્વર વાવ, માત્રીવાવ, પ્રભાસ અને ચોરવાડના ટીપણી નૃત્ય એક જમાનામાં ઢોલના ધબકારે બંધાતી ઇમારતોના ધાબાને મજબુતી આપતા જાંબુરના ધમાલ નૃત્ય આજેય પણ સાસણના મહેમાનો બનતા લોકો માટે આર્કષણરૃપ બને છે.

વેરાવળ-સાસણ વચ્ચે દોડતી ટ્રેન નેરોગેજ છે જે દેશમાં બચેલી હેરીટેજ ટ્રેનોમાંની એક છે.

ડીજેના આજના જમાનામાં પ્રભાસના ઢોલીઓના દાંડીપીટ ધનધનાટ અને સુરીલી શરણાઇના સૂરો વરઘોડાઓને શોભાવી રહયાં છે.

(11:17 AM IST)