News of Friday, 18th April 2025
વિંછીયાના રેવાણીયામાં કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૃ. ૧.૩૫ કરોડનાં
ખર્ચે થનારા સિંચાઈ યોજનાની કેનાલ રેસ્ટોરેશન કામનું ખાતમુર્હૂત ખેડુતોની ૧૬૦ હેકટર જેટલી જમીનને ઉનાળામાં પણ સિંચાઈનો લાભ મળશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૮ : વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૃ. ૧.૩૫ કરોડનાં ખર્ચે થનારા સિંચાઈ યોજનાની કેનાલ રેસ્ટોરેશન કામનું ખાતમુર્હૂત થયું હતું.
રાજકોટ સિંચાઈ પંચાયત વિભાગ અને જસદણ સિંચાઈ પંચાયત પેટા વિભાગ હેઠળ આવતાં વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રીનોવેશન ઓફ કેનાલ સિસ્ટમ ફોર માઈનોર ઈરીગેશન સ્કીમનું ખાતમુર્હૂત મંત્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે થયું હતું. આ તકે જસદણના આગેવાન અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ મહાદેવભાઈ ચાવ તથા સ્થાનિક આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોજે રેવાણીયા ખાતે રેવાણીયા નાની સિંચાઈ યોજના આવેલ છે. આ યોજના ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં રૃ.૦૧.૨૦ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાની કુલ જીવંત પાણી સંગ્રહક્ષમતા રૃ. ૧૭.૨૫ એમ.સી.એફ.ટી. છે, આ યોજના થકી વિંછીયા અને થોરીયાળી એમ કૂલ બે ગામોની અંદાજિત ૧૬૦.૦૦ હેકટર ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળે છે. વધુમાં, ચાલુ વર્ષે રેવાણીયા નાની સિંચાઈ યોજનાની કેનાલનું રેસ્ટોરેશનનું કામ રૃ. ૧.૩૫ કરોડનાં ખર્ચે કરવામાં આવનાર છે. રેવાણીયા નાની સિંચાઈ યોજનમાં કૂલ ૦૭.૫૫ કી/મી લાંબુ કેનાલ નેટવર્ક આવેલ છે. જેનાથી અંદાજે કૂલ ૧૬૦ હેકટર ખેતી લાયક જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ કેનાલ નેટવર્કમાં આવતાં તમામ સાઈન વેલ, એકવેડકટ, રોડ ક્રોસિંગ ને રીનોવેટ કરવાનું અને તમામ કેનાલને ૭.૫ સે.મી. આર.સી.સી. થી પાકી કરવાનું આયોજન છે. આ કામ પૂર્ણ થવાથી રેવાણીયા નાની સિંચાઈ યોજનાની કેનાલ નેટવર્કનાં કમાન્ડ વિસ્તારમાં આવેલ તમામ ખેડુત ખાતેદારોની ૧૬૦ હેકટર જેટલી જમીનને ઉનાળાની ઋતુ સુધી સિંચાઈનો લાભ મળશે અને પાણીનો થતો બગાડ અટકશે. (૨૫.૨)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
