<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

જ્યાં અહંકાર છે ત્યા કૃષ્ણ નથી : ભગવાન કૃષ્ણનું સ્મિત, ધ્યાન, ચાલ, આંખ અને એકાંતમાં વાર્તાલાપ ભૂલી ન શકાય : ડો. મહાદેવપ્રસાદ શાસ્ત્રી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્ણ વિવાહની ઉજવણી : સમગ્ર ઉમરેઠી ગામ કૃષ્ણમય બન્યું, ભાગવતના વિવિધ પ્રસંગોનું વર્ણન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮ : તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાનો પ્રારંભ 13 માર્ચથી થઈ ગયો છે. કથાના છઠ્ઠા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ અને શ્રોતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા છ દિવસથી વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે.

તાલાલાના ઉમરેઠી ગામમાં ગોપી મંડળ અને સમસ્ત ઉમરેઠી ગામ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી રાષ્ટ્રવાદી અને આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કૃષ્ણ જન્મ, ભગવાન કૃષ્ણ રાસ વગેરે પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રીના ભજન, સંતસંગ, કાનગોપી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ ઉપરથી ડો. મહાદેવપ્રસાદ શાસ્ત્રીએ ગોપીઓનો પ્રેમ, વિરહ, કંસ વધ, જરાસંધ સાથે યુદ્ધ, દ્વારકા ગમન, યાદવોનું રક્ષણ, નંદબાબાને વૈકુઠના દર્શન, બેટ દ્વારકાનું વર્ણન વગેરે પ્રસંગો વર્ણવ્યા હતા. ગોપી સાથેના પ્રસંગને વર્ણવતા ડો. મહાદેવપ્રસાદ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, એક વખત ગોપીઓમાં અહંકાર આવી જાય છે. કૃષ્ણ તો અમારા જ છે. અમારા જ છે આ અહંકાર ભાવ આવતા ભગવાન કૃષ્ણ ગોપીઓ વચ્ચેથી ચાલ્યા જાય છે. બાદ ગોપીઓમાં વિયોગ જાગે છે. ગોપીઓ જંગલમાં ભગવાનને શોધવા નીકળી પડે છે.

ડો. મહાદેવપ્રસાદ કહે છે કે, જ્યાં અહંકાર છે ત્યાં ભગવાન નથી. ભગવાન જ્યાં અંતર્ધ્યાન થયા ત્યાંથી ગોપીઓ શોધવાની શરૂઆત કરે છે. ભગવાન કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં છેલ્લે અંતર્ધ્યાન થયા છે. અહીંથી તેમનો શોધવા જોઈએ. નરસિંહ મહેતાને ભગવાને 52 વખત દર્શન આપ્યા છે. જે કાર્યથી આનંદ આવે તેનાથી જ પરમાત્મા મળે છે. ભગવાન કૃષ્ણ જ બ્રહ્મ છે અને શ્રીમદ ભાગવત તેમના ચરણ છે. ડો. મહાદેવપ્રસાદે ભગવાન કૃષ્ણની પાંચ વસ્તુઓ ક્યારેય ભૂલી ન શકાય. ભગવાનની આંખો, ભગવાનનું હાસ્ય, ભગવાન કૃષ્ણની ચાલ, ભગવાનનું ધ્યાન અને કૃષ્ણ ભગવાન એકાંતમાં વાત કરે છે તે. ગોપીઓ કહે છે કે, ભગવાન અમને એકાંતમાં આવી વાતો કરતા. અર્જુન કરતા પણ વધુ સન્માન ગોપીઓ સાથે ભગવાને કર્યો છે.

કથાના છઠ્ઠા દિવસે કૃષ્ણ વિવાહ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠીના બાજુના ગામ માલજીંજવાથી જાન આવી હતી. કૃષ્ણ વિવાહ પ્રસંગે ગામજનો ભાવવિભોર બની ગયા હતા. જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કથાના દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રોજના હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ જાતની અવ્યવસ્થા થતી નથી.(તસ્વીર:વિનુ જોશી-જુનાગઢ)

(2:43 PM IST)