<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ધોરાજીના લાગણી ધાર ખોડીયાર માતાજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : 30,000થી વધુ ભાવિકોએ લીધો મહાપ્રસાદ

મહંત વિશ્વામિત્ર ગિરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસીય મહોત્સવની વાજતે ગાજતે પૂર્ણાહુતિ : આઠ ગામોના હજારો ગ્રામજનોએ ધુવાધાર મહાપ્રસાદનો લાભ લીધો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી નજીક ભાદર-૨ ડેમ પાસે આવેલા લાગણી ધાર ખોડીયાર માતાજીના મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવ શ્રી મહંત વિશ્વામિત્ર ગિરીજી મહારાજના સાનિધ્યમાં ચાર દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ૩૦,૦૦૦થી વધુ ભાવિક ભક્તજનોએ પાવન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થતાં સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માહિતી આપતા સેવક બાબુભાઈ જાગાણી (એડવોકેટ)એ જણાવ્યું હતું કે, ધોરાજીથી આશરે ૧૦ કિલોમીટર દૂર લાગણીધાર તરીકે ખ્યાતિ પામેલા લગભગ ૨૦૦ વર્ષ જૂના શ્રી ખોડીયાર માતાજીના મંદિરે આયોજિત આ મહોત્સવમાં ગોંડલ તેમજ ગિરનાર મંડળના અનેક સાધુ સંતોએ પાવન ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉપરાંત ૩૦ હજારથી વધુ શ્રદ્ધાળુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને પ્રેમથી મહાપ્રસાદ આરોગ્યો હતો.
આ શુભ પ્રસંગે ગુરુ શ્રી મહંત વિશ્વામિત્ર મહારાજના આશીર્વાદ સાથે ગોંડલ મંડળ અને ગિરનાર મંડળના સંતો મહંતોએ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. ત્યારબાદ બંને મંડળના સાધુ સંતો માટે ભંડારા સાહેબનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વે સંતોએ પ્રેમપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું.
ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતના ઉદ્યોગપતિ રમેશભાઈ ગજેરા અને તેમના પત્ની ભાનુબેન ગજેરાએ મુખ્ય દાતા તરીકે ૧૧ કુંડી મહાયજ્ઞમાં યજમાન બનીને લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્રણ દિવસ સુધીના મહાપ્રસાદના દાતા તરીકે સાપરના ઉદ્યોગપતિ રમેશભાઈ સિદ્ધપરા તેમજ ધોરાજીના અન્ય દાતાઓએ પણ આ મહોત્સવમાં પોતાની સેવાઓ અર્પણ કરી હતી.
સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આયોજનની સફળતા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
મહોત્સવ દરમિયાન ભૂમિ પૂજન, સ્તંભના સામૈયા અને કુંભ સ્થાપન જેવા ધાર્મિક કાર્યક્રમો સાધુ સંતોની પાવન હાજરીમાં સંપન્ન થયા હતા. બારપહર પાઠ અને જ્યોત પ્રાગટ્ય મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે ચાર કલાકે ડાલીબેનના સામૈયા યોજાયા હતા અને ડાલીબેન પાઠ જ્યોત પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. બાર પહોર પાઠ જ્યોતિ વિસર્જન, ધ્રુવ દોરીના સામૈયા શુભ ચોઘડીએ, સંતોના સામૈયા અને ભંડારા સવારે થમ ખડો થવાનો અને સ્તંભ વિસર્જન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉજવાયા હતા.
દેહ સુઘી હેમાદ્રી મંડપ પ્રવેશ અને ગણપતિ પૂજનના કાર્યક્રમ બાદ રાત્રિના સેવંત્રા ગામના પોલાભાઈ આહીરનો પ્રખ્યાત કાનગોપીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાત્રિના મોડે સુધી આનંદ માણ્યો હતો. સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજે ૩૦,૦૦૦થી વધુ ભાવિક ભક્તજનોનું વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે ભુવાઆતા શ્રી ગોગનઆતા અને પરબઆતા સતાપર ગામના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આશીર્વચન પાઠવ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડીયાર માતાજીની મૂર્તિ તેમજ ગણપતિદાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
સમગ્ર મહોત્સવ ગુરુ શ્રી મહંત સેક્રેટરી શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના શિષ્ય વિશ્વામિત્રગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાર દિવસ સુધી ભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં મંદિરની આજુબાજુના ગામો જેવા કે લાગણીધાર, અડવાર, સુપેડી, ઝાંઝમેર, સનાળા, ધોરાજી અને રામપરાના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દિવ્ય દર્શનની સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. ચાર દિવસ સુધી ભવ્ય અન્નક્ષેત્રમાં હજારો ભક્તોએ પ્રેમથી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ઝાંઝમેર ગામના નાથુભા ચુડાસમા, ગણુંભા જાડેજા, કિશોરસિંહ જાડેજા, જેઠુભા જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, વિપુલભાઈ ઠેસીયા, કનકસિંહ જાડેજા, નાથાભાઈ બેરા, હરપાલસિંહ ચુડાસમા, ઘનશ્યામસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ચંદુભાઈ ભૂત, બાબુભાઈ ઠુંમર, કનકસિંહ જાડેજા, મહેશભાઈ બાલધા, અનીલસિંહ ચુડાસમા વગેરે દાતાશ્રીઓ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સહયોગ આપ્યો હતો.
ચાર દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં અનેક સાધુ સંતો, મહામંડલેશ્વર તેમજ સદગુરુ સંતોએ પાવન હાજરી આપી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જામકંડોરણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

(10:47 PM IST)