તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
શ્રી અજરામર ટ્રસ્ટ રસ્તે રઝળતા ગૌવંશ માટે ભુજમાં આશ્રયસ્થાનના નિર્માણ માટે પ્રતિબદ્ધ
હાલના રસ્તે રઝળતા નંદીઓ માટે આશ્રય સ્થાન ઊભા કરવાની જરૂરિયાત, હિંમતસિંહ વસણના અધ્યક્ષ સ્થાને પરામર્શ સમિતિની બેઠકમાં ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે ૨૭ વર્ષથી કાર્યરત શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના ભારાપર ગામે રખડતા ભટકતા અને ન ધણીયાતા ગૌવંશ માટે આશ્રય સ્થાન નિર્માણ થઇ રહ્યું છે તે અંતર્ગત આ પ્રકલ્પ નિર્માણના આયોજન અંગે વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો સાથે એક બેઠક સંઘના કચ્છ વિભાગના સંઘચાલક શ્રી હિંમતસિંહ વસણના અધ્યક્ષ સ્થાને સંઘ કાર્યાલય કાશીનાથ ભવન ખાતે યોજાઈ હતી જેમાં ઉપસ્થિત સૌ સભ્યોએ વર્તમાન સમયમાં ગૌ માતા અને ગૌવંશની સમસ્યાઓ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો,
શ્રી અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ સૌને આવકાર આપ્યો હતો અને સંસ્થાના ભારાપર ખાતેના ગૌસેવા ધામ માટે જમીન માંગણીથી મંજુરી સુધીના અનુભવો વર્ણવ્યા હતા તેમજ જીવદયા કેન્દ્ર નિર્માણ અંગેના આયોજનના પ્લાન નકશા અને અંદાજો સાથેની બ્લુ પ્રિન્ટ સૌ સમક્ષ મૂકી હતી, જમીન સફાઈ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું.
સંઘચાલક હિંમતસિંહ વસણે શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અર્થે જે સંઘર્ષપૂર્ણ કામગીરી કરી છે તે સરાહનીય હોવાનું જણાવી આ ગૌસેવાનું કાર્ય એ રાષ્ટ્ર હિત અને દેશ સેવાનો જ એક ભાગ હોવાનું જણાવી આ કાર્યમાં સૌ સહયોગી બને તો કાર્ય વધુ સફળ બને તેમ જણાવ્યું હતું
સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક વિનોદભાઈ ગાલાએ ગૌસેવા સાથે વર્ષોથી જોડાયેલા મહાનુભાવો પોતાના વિચારો અને અનુભવો વર્ણવે તો ગૌસેવા કાર્ય અંગે વધુ સરળતા સાથે કામ કરી શકાય તેમ જણાવ્યું હતું તેમણે સંસ્થાની ગૌવંશ સેવા માટે નિષ્ઠા સાથેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી,
સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ પ્રમુખ અને ગૌ સંવર્ધન ક્ષેત્રના અનુભવી રામકૃષ્ણ ટ્રસ્ટના મોવડી મનોજભાઈ સોલંકીએ ગૌસેવાના વિવિધ માધ્યમો છે તેના દ્વારા દેશમાં ગૌવંશ બચાવવા વધુમાં વધુ જે પણ કાર્ય થાય તે આવકાર્ય હોવાનું જણાવી ગાય અને ગૌવંશ પર્યાવરણ રીતે પણ ખુબ જ મહત્વ ધરાવતા હોવાનું જણાવ્યું હતું, તેમણે સેવાના ભાવ સાથે થતા કાર્યમાં સાવચેતી સાથે કદમ ભરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું
સંઘના કચ્છ વિભાગ ગૌસેવા ગતિવિધિ પ્રમુખ પરબતભાઈ ગોરસીયાએ ગૌસેવા ક્ષેત્રે કોઈ એક જ લક્ષ સાથે આગળ વધવા જણાવી, ગૌસેવા કરવાની સાચી ભાવના હોય પણ બધા જ ગૌસેવા કાર્યો સાથે કરવાથી પૂર્ણ ન્યાય આપી ન શકાતો હોવાની ભીતિ દર્શાવી હતી અને હાલના સમયે રસ્તે રઝળતા ગૌવંશ અને ખાસ કરી નંદીઓ માટે જ વ્ય્વસ્થા ઉભી કરવાની જરૂરીયાત હોવાનો મત વ્યક્ત કર્યો હતો,
અતુલભાઈ જોશીએ સંસ્થા પરના ભારણને હળવું કરવા નંદીઓના વિભાગ ઉપરાંત ગૌશાળાનો પણ એક વિભાગ નિર્માણ કરવાની રજૂઆત કરી હતી, સેવાભાવી અને મેડીકલ સેવાક્ષેત્રે કાર્યરત મનસુખભાઈ શાહે ગૌસેવાના આવા સારા કાર્યમાં સહયોગી બનવાની ભાવના વ્યક્ત કતી હતી. પર્યાવરણ ક્ષેત્રે વર્ષોથી સેવારત પૂર્વ ફોરેસ્ટ અધિકારી એચ.પી વરીયાએ ગૌસેવાધામમાં વૃક્ષારોપણ માટે સેવા આપવાની જવાબદારી લીધી હતી
સ્વદેશી આંદોલનના પ્રણેતા રાજીવ દિક્ષિત સેના કચ્છના વનરાજસિંહ જાડેજાએ ગૌસેવાના કાર્યમાં જે જવાબદારી સોપવામાં આવશે તે નિભાવવા ખાતરી આપી હતી આ બેઠકના અંતે સૌ એ રસ્તે રઝળતા ગૌવંશ એટલે કે નંદીઓ માટે આશ્રય સ્થાન ઝડપથી નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
શ્રી અજરામર ટ્રસ્ટના સહ મંત્રી દીપક મહેતા અને મહિલા ટ્રસ્ટી મીના બોરીચા સહયોગી બન્યા હતા.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
