તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
ભાવનગર યુનિવર્સિટીનાં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણશાસ્ત્ર ભવનના વડા ડો.ભરત રામાનુજે ચાર્જ સંભાળ્યો
એકેડેમીક, એડમિનીસ્ટ્રેશન અને એકઝામિનેશન ઉપર પ્રાધાન્ય અપાશેઃ નવા કોર્ષ શરૂ કરાશેઃ ડો.રામાનુજ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૧૫માં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના ડૉ.ભરત રામાનુજ પર પસંદગીનો કળશ ઢોળતાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી ચાલતાં વહિવટનો અંત આવ્યો છે. નવનિયુકત કુલપતિ આજે સોમવારે વિધિવત ચાર્જ સંભાળ્યો છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીસતત ત્રણ વર્ષથી ઈન્ચાર્જ કુલપતિથી ચાલી રહી હતી. જો કે, યુનિ.એ ત્રણ વર્ષમાં સતત ત્રણવખત સર્ચ કમિટી બનાવીને ૧૫માં કુલપતિની પસંદગીમ માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઇને કોઇ કારણોસર કુલપતિની વરણીનો પ્રશ્ન હલ થતો ન હતો. સર્ચ કમિટી દ્વારા તબક્કાવાર ત્રણ વખત ત્રણ-ત્રણ નામોનું બંધ કવર સુપ્રત કર્યું હોવા છતાં એક યા બીજા કારણોસર અટકેલી નિમણૂકને લઇ અનેક અટકળો ચાલી રહી હતી જેના પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. સરકારના શિક્ષણ વિભાગે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ના શિક્ષણશાસ્ત્રમાં લાંબા સમયથી કાર્ય સાથે સંકળાયેલા, વિદ્યાર્થી પરિષદ અને સંઘના પણ કાર્યકર રહેલા તેમજ ડીન, હેડની સાથો સાથ સીંડીકેટ મેમ્બર રહી ચુકેલા એવા ડો.ભરત રામાનુજની મ.કૃ.ભાવ. યુનિ.ના ૧૫માં કુલપતિ પદ માટે પસંદગી કરી છે.આજે તા.૨૧ને સોમવારે તેઓ યુનિવર્સિટીના ૧૫માં કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.ઉલ્લેખનિય છે કે, આ પદ માટે ત્રણ દાવેદારોમાં અન્ય બે દાવેદારો ભાજપના ટોચના નેતાઓના નજીકના શિક્ષણવિદ્દ હતા જેમનું છેલ્લી ઘડી સુધી એડી ચોંટીનું જોર રહ્યું હતું. જો કે, નવનિયુકત કુલપતિને સંઘનું મજબૂત પીઠબળ હોવાથી તેમને આ પદ મળ્યું હોવાનું કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે. તેમની આગેવાનીમાં આગામી પદ્દવીદાન સમારોહ યોજાશે. એકેડમીક, એડમીનીસ્ટ્રેશન અને એકઝામીનેશનને પ્રાધાન્ય અપાશે.મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના નવા નિમાયેલ કુલપતિ ડો.ભરત બી. રામાનુજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એકેડેમીક, એડમિનિસ્ટ્રેશન અને એકઝામિનેશન પર વધુ પ્રાધાન્ય આપશે. અને વધુ શ્રેષ્ઠ કામગીરી સહિયારા પ્રયાસથી કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હાલની જરૂરિયાત પ્રમાણેના નવા કોર્સ શરૂ કરવા પણ ઈચ્છા વ્યકત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે કામને જ એટલું પ્રાધાન્ય આપીએ કે નેકનો સારો ગ્રેડ મળે જ આમ ઉત્સાહ સાથે નવી દિશા અને નવા સપનાઓ સાથે ચાર્જ સંભાળ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
