<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સજાતીય સંબંધમાં પડધરીના મુકબધીરની હત્‍યા કરનાર મિત્ર ઇકબાલના રીમાન્‍ડ મંગાયા

મર્ડર કર્યા બાદ બીજે દિ' ઇકબાલ કબ્રસ્‍તાનમાં જઇ દાઉદશાની લાશ પોલીસ લઇ ગઇ ત્‍યાં સુધી રોકાયો'તો

 રાજકોટ તા. ર૧ :.. પડધરી કબ્રસ્‍તાનના મૂકબધીર રખેવાળ દાઉદશાની હત્‍યાનો રૂરલ પોલીસે ભેદ ઉકેલી સજાતીય  સંબંધના કારણે હત્‍યા કરનાર તેના મિત્ર ઇકબાલની ધરપકડ કરી રીમાન્‍ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ પડધરી કબ્રસ્‍તાનની ઓરડીમાં રહેતા અને ત્‍યાં જ રખેવાળી કરતા મુકબધીર દાઉદશા અનવરશા શાહમદાર (ઉ.વ.૪૬) વર્ષના આધેડની લોહી લુહાણ હાલતમાં લાશ મળ્‍યા બાદ ફોરેન્‍સમાં પી. એમ. રીપોર્ટમાં તેની હત્‍યા થયાનું ખુલતા પડધરી પોલીસે અજાણ્‍યા શખ્‍સો સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ  કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ હત્‍યાનો ભેદ ઉકેલવા રૂરલ એસ. પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટીમો કાર્યરત કરાઇ હતી. રૂરલ એલસીબીએ શંકદાર ઇકબાલ હાસમભાઇ લાખા (ઉ.વ.૩ર), ધંધો મજૂરી રે. ખાટકડીવાડ પડધરી મુળ રે. વાંકાનેર લક્ષ્મીપરાને દબોચી લઇ આગવી ઢબે પુછતાછ કરતા તેણે જ મિત્ર દાઉદશાની હત્‍યા કર્યાની કબુલાત આપી હતી. આરોપી ઇકબાલ બુધવાર અને સોમવાર સિવાયના વારે દરરોજ કબ્રસ્‍તાને જતો અને દાઉદશા સાથે સજાતીય સંબંધ બાંધતો હતો. બનાવના દિવસે દાઉદશાએ સંબંધ બાંધવાની ના પાડતા ઇકબાલે ઉશ્‍કેરાઇ જઇ સ્‍ટીલની ઘોડી તથા કુહાડીથી દાઉદશાને મોતને ઘાટ ઉતારી દિધો હતો. બાદમાં મૃતકે દાઉદશાની ઓરડીમાં પડેલ પેટીમાંથી ૬૪૦૦ રૂા. જાઇતા તે લઇ નાસી છૂટયો હતો. મર્ડર કર્યા બાદ બીજે દિ' કબ્રસ્‍તાન તરફ શું થાય છે તે જોવા ગયેલ ત્‍યાં પોલીસ હતી અને પોલીસ દાઉદશાની લાશ લઇ ગયેલ ત્‍યાં સુધી ત્‍યાં રોકાયો હોવાની કેફીયત આપી હતી.

પકડાયેલ ઇકબાલને આજે પાંચ દિ‘ ના રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાનાર છે. વધુ તપાસ પડધરીના પી. આઇ. એસ. એન. પરમાર તથા રાઇટર યુવરાજસિંહ ચલાવી રહ્યા છે.

(1:26 PM IST)