<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

પોરબંદરની મજીવાણા વીજ કચેરીનું લોકાર્પણ કરતા મનસુખભાઇઃ બરડા પંથકના ર૦ ગામોને ફાયદો

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના હસ્‍તે પીજીવીસીએલ મજીવાણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાતાં ૨૦ ગામોના નાગરિકોને ફાયદો થયો છે.

બગવદર ખાતે પીજીવીસીએલ કચેરી હેઠળ બરડા પંથકનો મોટો વિસ્‍તાર આવતો હતો ત્‍યારે ચોમાસા સમય દરમિયાન વીજ વિક્ષેપ ઊભો થાય ત્‍યારે તેને પુનઃકાર્યરત કરતા વધારે સમય લાગતો હતો.તેથી બગવદર પીજીવીસીએલ કચેરીને બે ભાગમાં વિભાજન કરવા માટે અગાઉ ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારમાં દરખાસ્‍ત કરી હતી અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મજીવાણા  પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીની પોરબંદર ધારાસભ્‍યશ્રીની દરખાસ્‍તને ખાસ કિસ્‍સામાં મંજૂર કરવામાં આપી હતી.

મજીવાણા ખાતે પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરી પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેનો બરડા પંથકના ૨૦ ગામોનાં  ૨૦ હજારથી વધારે વીજ ગ્રાહકોને અનેક ફાયદાઓ થશે.

મજીવાણા નવી પેટા વિભાગીય કચેરી કાર્યરત થતાં ખુબજ મોટા વિસ્‍તારને પાવર સાતત્‍યની જાળવણી અવિરતપણે થઈ શકશે તેમજ પેટા વિભાગીય કચેરી મજીવાણામાં નવા કર્મચારીઓની જગ્‍યા મંજુર થતા માનવબળમાં વધારો થતા ગ્રાહકલક્ષી સેવાઓ સરળ રીતે પુરી પાડી શકાશે.

વીજ ફોલ્‍ટ થાય ત્‍યારે તેનું નિરાકરણ ત્‍વરિત થઈ શકશે. તેમજ છેવાડાના ગામોથી આવતા વીજ ગ્રાહકોને સુગમતાથી વીજ કચેરીને લગતા કામો અને નવા વીજ જોડાણોને લગતી કાર્યવાહી ત્‍વરિતપણે થઈ શકશે.(

(1:39 PM IST)