News of Monday, 21st April 2025
પોરબંદર જિલ્લામાં ૩૭૦ લાખના ૧૦૮ વિકાસ કામોને મંજુર કરતા કુંવરજીભાઇ બાવળીયા
જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક મળીઃ અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પુર્ણ કરવા સુચના આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના ૩૭૦ લાખના ૧૦૮ કામો મંજૂર કરવામાં આવ્યાં હતા. અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા પ્રભારી મંત્રી કુંવરજીભાઇએ અધિકારીઓને તાકીદ હતી.
આ મિટિંગમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ સામાન્ય હેઠળ ૭૩ કામો ૨૩૨.૫૦ લાખ,૧૫ ટકા વિવેકાધીન અ. જા. પે.યો.૧૪ કામો ૪૩ લાખ, ૫ ટકા પ્રોત્સાહક ૩ કામ ૭.૫૦ લાખ, ખાસ પછાત વિસ્તાર વિકાસ ઘેડ જોગવાઈ ૧૩ કામ ૪૨ લાખ, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ ૫ કામ ૪૪.૭૪ લાખ મળી ૩૬૯.૭૪ લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ મિટિંગમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે નવા મંજુર થયેલા કામો સમયસર શરૂ થાય તે જરૂરી છે. આ માટે નકશા અંદાજ અને સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી ની કામગીરી માટે સમયસર સમીક્ષા કરવા અને તાલુકા કક્ષાએ પણ સમીક્ષા નિયમિત રીતે થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. અગાઉના વર્ષના અધૂરા અને પૂર્ણ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ દરેક ગામોના કામો અને જરૂરિયાત મુજબ વિકાસલક્ષી કામો થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવો માંથી ખેડૂતોને વિનામૂલ્યે માટી કાઢવાની મંજૂરીઓ સત્વરે આપી દેવા જણાવ્યું હતું.
કલેકટર એસ.ડી ધાનાણીએ દરેક કામોની થયેલી સમીક્ષા તેમજ સ્થળ નિરીક્ષણ સહિત અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ઠાકોરે દરેક કામો અને જોગવાઈ અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, તાલુકા પંચાયતોના પ્રમુખ સહિતનાં પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચોધરી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ, આયોજન વિભાગના અધિકારી આર. એમ. ગંભીર તેમજ પ્રાંત અધિકારીઓ, આયોજન મંડળના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
