<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરતી પશ્ચિમ કચ્છ પોલીસ

ખાંવડાના સરગુ ગામે બન્ની વિસ્તારની ફોરેસ્ટની આશરે 15,000 ચોરસ મીટર કિંમતી જમીન પર બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું : આરોપી લિયાકતઅલી નોડે વિરુદ્ધ ચીટિંગના પાંચથી વધુ ગુના નોંધાયેલા

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસે ખાંવડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરગુ ગામે કાર્યવાહી હાથ ધરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લિયાકતઅલી રસીદઉલ્લા નોડે નામના શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કર્યું છે. આરોપી લિયાકતઅલી નોડે, જે મૂળ લુડિયાંનો રહેવાસી છે અને હાલમાં ભારાપર તાલુકાના ભુજમાં રહે છે, તેણે સરગુ ગામની બન્ની વિસ્તારની ફોરેસ્ટ વિભાગની હસ્તકની આશરે 15,000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાક માટે મકાન અને વાડો બનાવ્યો હતો. આ દબાણવાળી જમીનની અંદાજિત કિંમત ₹10 લાખ રૂપિયા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લિયાકતઅલી નોડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં ચીટિંગના પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસે આ ગેરકાયદેસર દબાણને તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાંવડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા ફોરેસ્ટની જમીન પર કરવામાં આવેલ આ ગેરકાયદેસર બાંધકામને ડિમોલિશન કરીને જમીનને ફરીથી ફોરેસ્ટ વિભાગના કબજામાં સોંપવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી સરકારી જમીનોનું રક્ષણ થઈ શકે. આ કાર્યવાહી પશ્ચિમ કચ્છ પોલીસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની ઝુંબેશનો એક ભાગ છે.

 

(10:23 AM IST)