તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
બેડી હડમતીયામાં પાણી ભરતી વખતે પગ લપસતાં કૂવામાં પડી જતાં હેતલબેનનું મોત
બે માસુમ દિકરા મા વિહોણા થતાં સુરાણી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૨: મોરબી રોડ પર આવેલા બેડી હડમતીયા ગામે રહેતી પરિણીતા પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ બેડી હડમતીયા ગામે રહેતી હેતલબેન સુરેશભાઇ સુરાણી (ઉ.વ.૨૭) નામની પરિણીતા પોતાની વાડીના કૂવામાંથી પાણી ભરવા ગઇ ત્યારે અંદર પડી ગઇ હતી. મોડે સુધી તેણી પાણી ભરીને પરત ન આવતાં પરિવારજનો તપાસ કરવાં જતાં તેણી અંદર પડી ગયાનું જણાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારજનોએ તેણીને બેભાન હાલતમાં બહાર કાઢી હતી. ૧૦૮ને જાણ કરવામાં આવતાં તેના ડોક્ટર અક્ષય બાંભણીયાએ તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ ફતેહસિંહ સોલંકીએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. પ્રશાંતભાઇ સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેણીના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ ખેતી મજૂરી કરે છે. તેણી બે ભાઇની એકની એક બહેન હતી. તેના માતા-પિતા રાજકોટ રૈયા રોડ પર નહેરૂનગર વિસ્તારમાં રહે છે. પ્રાથમિક તપાસમાં તેણી પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં અંદર પડી ગયાનું ખુલ્યું હતું. આમ છતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. અંતિમવિધી બાદ પરિવારજનોના વિશેષ નિવેદન નોંધશે. ઘટનાથી બે માસુમ દિકરા મા વિહોણા થઇ ગયા છે. (૧૪.૫)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
