<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સિક્કામાં સર્વરોગ સારવાર કેમ્‍પ યોજાયો

અનંત અંબાણીના જન્‍મદિવસ નિમિત્તે આયોજિત આરોગ્‍ય અભિયાનનો ૧,૪૪૭ દર્દીઓએ લાભ લીધો

જામનગર, તા.૨૨: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના મોટીખાવડી આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા સિક્કા સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અનંત અંબાણીના જન્‍મદિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું . ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં યોજાયેલ આ કેમ્‍પમાં આસપાસના ગામોમાંથી ૧,૪૪૭ દર્દીઓએ મફત તબીબી સલાહ અને સંપૂર્ણ સારવારની સુવિધા મેળવી હતી. જામનગરના ૧૭ ડોક્‍ટરોએ આ કેમ્‍પ માટે સેવા આપી હતી.

કેમ્‍પમાં તબીબી સલાહ ઉપરાંત, જરૂરી જણાય તે દર્દીઓને દવાઓનું વિતરણ, લેબોરેટરી પરીક્ષણ અને ઈસિજી પણ કરવામાં આવ્‍યું હતું.  વિશેષ નોંધનીય છે કે, ૩૦ દર્દીઓમાં મોતિયાબિંદ તથા ૫ દર્દીઓમાં PCO (બીજા તબક્કાનો મોતિયો) માલુમ પડતાં, તેમને ‘પ્રોજેક્‍ટ દૃષ્ટિ'  હેઠળ જામનગર ખાતે નિઃશુલ્‍ક ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ કેમ્‍પમાં નેત્ર રોગના ૪૨૫,સ્ત્રી રોગોના ૩૮, હાડકાંના રોગોના ૨૬૭, ચામડીના રોગોના ૨૫૪, બાળરોગના ૯૭, નાક-કાન-ગળાના રોગોના ૧૨૪ અને જનરલ ફિઝિશિયનના ૨૬૭ દર્દીઓને લાભ મળ્‍યો હતો.

આ વ્‍યાપક આરોગ્‍ય અભિયાનને સફળ બનાવવા સ્‍થાનિક ગામોના સ્‍વયંસેવકોની નિષ્ઠાપૂર્વકની સેવાઓ પ્રાપ્ત થઈ હતી, જેમણે  દિવસ દરમિયાન આનુષાંગિક વ્‍યવસ્‍થાઓ સંભાળી અને તબીબી ટીમને સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો

(12:12 PM IST)