તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
જેતપુરના કારખાનેદાર સાથે ૭પ.૮ર લાખની છેતરપીંડી
મુંબઇના વેપારીએ જેતપુરના કારખાનેદાર પાસે સાડીનું જોબવર્ક કરાવી રૂપિયા ન આપી ધુંબો મારી દીધો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રરઃ મુંબઈના એક વેપારીએ જેતપુરના સાડીના એક કારખાનેદાર પાસે સાડીઓનું જોબવર્ક કરાવી ૭૫,૮૩૪૭૧ રૂપિયા બાકી નીકળતી લેણી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવની વિગત એવી છે કે, શહેરના સુદામા નગરમાં રહેતા શૈલેષભાઇ શીંગાળાના મોટાભાઇ હરેશભાઇ બીમાર હોય તેઓએ તેઓનું બળદેવધાર વિસ્તારમાં આવેલ મિશ્વા પ્રિન્ટ નામના સાડીના કારખાનાનું કુલમુખત્યારનામું શૈલેષભાઇના નામે કરી આપ્યું હતું. જેથી શૈલેષભાઇ મિશ્વા પ્રિન્ટનું તમામ કામ સંભાળતા જેમાં દસેક વર્ષ પૂર્વે મુંબઈના વિકાસ ટ્રેડિંગના માલીક ગોવિંદ વિશ્વનાથ રોયને હરેશભાઇ સાથે સાડીના કાચા મટીરીયલ સામે જોબવર્ક કરી તે ગોવિંદભાઇ કહે તે પાર્ટીઓને મોકલાવી આપવાનું નક્કી થયેલ અને તે મુજબ કારખાનેદાર જોબવર્ક વાળો માલ મોકલાવતા પણ હતાં. જેમાં સાતેક વર્ષ જોબવર્કના તમામ પૈસા ગોવિંદભાઇ તરફથી સમયસર ચૂકવાય જતા હતા.
પરંતુ વર્ષ ૨૦૨૧થી જોબવર્ક પેટે નીકળતી રકમ ચુકવવામાં મોડું થવા લાગ્યું જેમાં એક સમયે તો જોબવર્ક પેટે નીકળતી રકમ ૨,૬૫,૯૫,૬૨૭ રૂપિયા જેટલું થઈ ગયું હતું. અને મિશ્વા પ્રિન્ટ કોઈ પણ પેઢીનું જોબવર્ક કરે એટલે ૯૦ દિવસમાં પેમેન્ટ લઈ લેવાનો નિયમ હતો. જેમાં પોણા ત્રણ કરોડ જેટલી રકમ થઈ જતા વિકાસ ટ્રેડિંગ પાસે અનેકવાર ઉઘરાણી કરતા ૧,૮૮,૧૩,૧૬૬/- રૂપિયા કટકે કટકે ચૂકવી આપ્યા. હવે બાકી નીકળતા રૂ. ૭૫,૮૨,૪૬૧ માટે બે વર્ષ વર્ષથી ઉઘરાણી કરવા છતાં વિકાસ ટ્રેડિંગના મલિક ગોવિંદભાઇ દ્વારા તમો અમારો માલ છાપો અમો તમને તમારી નીકળતી રકમ હપ્તે હપ્તે આપી દઈશું તેમ કરી એક વર્ષ સુધી માં માત્ર ૫૦ હજાર જમા કરાવ્યા. પરંતુ હવે તે પણ બંધ કરી દીધું જેથી મિશ્વા પ્રિન્ટ દ્વારા ઉઘરાણી માટે અનેક ફોન કરેલ ત્યારબાદ નોટીસ આપેલ તો પણ નીકળતી રકમ પરત ન આપતા અને હવે ફોન પણ રિસીવ ન કરતા શૈલેષભાઇ દ્વારા વિકાસ ટ્રેડિંગના માલીક ગોવિંદભાઇ રોય સામે બીએનએસ ૩૧૬ (૨), ૩૧૮ (૪) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખની છે કે શહેરના કારખાને દારો સાથે આવા છેતરપિંડીના બનાવો અગાઉ પણ બની ચૂકયા છે આ બાબતે ગંભીર રીતે વિચારી યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
