<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

શું ગુજરાતમાં ગરમી હિટવેવથી વધીને સિવીયર હિટવેવનું સ્‍વરૂપ ધારણ કરશે?

વેધર સુત્રો હજુ વધુ ગરમીને અનુમોદન આપી રહયા છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૫: આજની તારીખનો આંક પણ પ્રાસબધ્‍ધતાના રૂપે યાદગાર બની રહે તેવો છે! પચ્‍ચીસ ચાર પચ્‍ચીસ હિટવેવ સમાન, ચામડી દઝાડતો સુર્યનો પ્રખર તાપ, લૂ ઝરતા ગરમ પવનો, બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા રોડ રસ્‍તાઓ સુમસામ ભાસી રહયા છે. રાજયમાં વ્‍યાપેલુ ગરમીનું આ સામ્રાજય આગામી દિવસોમાં થોડું ઘટશે કે પછી હજુ વધુ રોૈદ્ર બનશે.? વેધર સુત્રો તો આવનારા દિવસોમાં ગરમી હજુ આથી પણ વધુ રોદ્ર બનવાની વર્તારામાં જણાવી રહયા છે.

ભારતીય હવામાન વિભાગ- આઇએમડી દ્વારા જણાવાયું છે કે, હજુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટયા વિના આમ જ જેસેથે રહેવાનું છે. અને ત્રણ દિવસ પુરા થયા બાદ ત્રણ દિવસ સુધી ગરમી વધુ રોદ્ર બનશે અને તાપમાન બે થી ત્રણ ડીગ્રી હજુ પણ વધશે. સ્‍કાયેમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, કાશ્‍મીર પર નવા વેસ્‍ટર્ન ડિર્સ્‍બન્‍સનું ઝડપથી આગમન થઇને હવે તે આગળ પસાર થઇ રહયા છે. મહેશ પલાવત વધુમાં જણાવે છે કે, ડબલ્‍યુ ડી ના આગળ સરકતા ગુજરાતમાં ઉતર પશ્‍ચિમના ગરમ પવનો બલુચિસ્‍તાન- સિંધ- થારના રણપ્રદેશ થી અહીં પસાર થશે. આ શુષ્‍ક ગરમ પવનો આવનારા દિવસોમાં ગુજરાતમાં હિટવેવ કે સિવીયર હિટવેવ કક્ષાએ તાપમાન વધારશે. રાજસ્‍થાન અને ગુજરાત બન્ને રાજયોમાં આવનારા દિવસો આકરી ગરમીના રહેવાના છે.

(12:03 PM IST)