<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

કોઇપણ જાતના ડર વગર વ્‍યાજખોરો વિરુધ્‍ધ અરજી આપો, તાત્‍કાલિક ગુન્‍હો નોધીશું: જુનાગઢ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. રપઃ જૂનાગઢ જિલ્લામાં વ્‍યાજખોરો વિરુધ્‍ધ ફરિયાદ નિવારણ માટે આજે પોલીસ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કર્યું હતું, જેમાં રેંજ આઈજી, એસપી, એએસપી, ડીવાયએસપી તેમજ દરેક થાણા અમલદારોની ઉપસ્‍થિતિમાં વ્‍યાજખોરોનો ભોગ બનેલા અને ફરિયાદ કરતા ડરતા એવા અનેક નાગરિકોની વાત પોલીસે સાંભળી અને ફરિયાદ અરજી લઈને ગુન્‍હા દાખલ કરવાની તજવીજ શરુ કરી છે.

આજે જૂનાગઢમાં યોજાયેલા લોકદરબારમાં રેંજ આઈજી નિલેશ જાજડીયાએ નાગરિકોને જણાવ્‍યું કે, વ્‍યાજખોરીનો પ્રશ્ન કાયદાકીય પ્રકિયામાં ગંભીર છે. મારી ઓફિસે એક વ્‍યક્‍તિ આવી જ રીતે એક વ્‍યાજના વિષચક્રમાં ફસાયેલો હતો, અને તેની આપવીતી કહી હતી, મિત્રતાના નાતે તેના મિત્રએ એક લાખ રૂપિયા આપ્‍યા હતા, જે રકમ તેણે પરત આપી દીધી હતી, પરંતુ પાછળથી તેના મિત્રએ વ્‍યાજે પૈસા આપ્‍યા હોવાની વાત કરીને વ્‍યાજ વસુલ્‍યું અને બ્‍લેન્‍ક ચેક પણ લઈ લીધા હતા, જે મુદ્દો મારા સમક્ષ આવતાની સાથે જ પોલીસ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.

પરંતુ તમે જેટલું સહન કરશો એટલા જ દબાણમાં આવશો, જેથી તાત્‍કાલિક આવા કોઈ કિસ્‍સામાં પોલીસનો સંપર્ક કરો, આવા કાર્યક્રમો પોલીસ દ્વારા દર બે-ત્રણ મહીને કરીશું, જેથી કાયદાકીય સાથે સામાજિક પ્રકિયાથી પણ સમાધાન લાવવા પ્રયાસો કરીશું. ખાસ તો, તમે જયારે વ્‍યાજે રૂપિયા લ્‍યો, ત્‍યારે તમે તમામ જાતના પુરાવાઓ સાચવી રાખો, કોઈ દબાણ કરતું હોય, કોઈ ધમકી આપતું હોય તો, તેને સાચવીને પોલીસને આપવાથી કાયદાકીય પ્રકિયામાં સરળતા રહે અને કેસ મજબુત થાય, જેની તમને ખાતરી આપીએ છીએ.

એસપી ભગીરથસિંહ જાડેજાએ કહ્યું કે, વ્‍યાજખોરો દ્વારા નાના વેપારીઓ, ધંધાર્થીઓ અને નાના માણસોને વ્‍યાજના ચક્રમાં ફસાવીને આર્થિક શોષણ કરે છે, જેથી રાજ્‍ય સરકારે અને ગળહવિભાગ દ્વારા આવા કિસ્‍સાઓમાં કડક હાથે કામગીરી કરવાનું વર્ષ ૨૦૨૩ થી નક્કી કર્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં વ્‍યાજખોરીનું દુષણ નાબુદ કરવા દરેક જિલ્લા-શહેરમાં અભિયાન શરુ કર્યું, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા સવા વર્ષમાં ૧૯ લોકદરબારનું આયોજન કરીને ૫૩ જેટલા ગુન્‍હાઓ દાખલ કર્યા છે, જયારે વ્‍યાજખોરીને ડામવાથી તેની સાઈડ ઈફેક્‍ટ પણ પડે છે, નાના લોકો આર્થિક મુશ્‍કેલી અનુભવે છે.

જેને નિવારવા માટે ૨૧ જેટલા લોન મેળાનું આયોજન કર્યું છે, જેમાં સરકારના વિવિધ વિભાગોને સાથે રાખીને કોઈને નાણાકીય તકલીફ ના પડે અને વ્‍યાજ વગર લોન મળે અને વ્‍યાજના ચક્રમાં ના ફસાય તે માટે ૧૦ હજારથી લઈને ૫૦ હજાર સુધીની લોન અપાવી છે. આજે દરકે પોલીસ સ્‍ટેશન વાઈઝ કાઉન્‍ટર રાખવામાં આવ્‍યા છે, જેમાં તમારી ફરિયાદ કરી શકો છે, વ્‍યાજખોરો વિરુધ્‍ધ કોઇપણ જાતના ડર રાખ્‍યા વગર અમોને ફરિયાદ આપો પોલીસ તાત્‍કાલિક એક્‍શન લેશે અને ફરિયાદ દાખલ કરશે, તેની ખાતરી આપીને તમારી સુરક્ષા માટે પોલીસ હંમેશા કટિબદ્ધ છે. લોક દરબારમાં મનપાના પ્રોજેક્‍ટ મેનેજર ગીરાબેન જોશી અને લીડ બેંકના મેનેજર ગણપત રાઠવાએ  ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન આપ્‍યું હતું. (૩પ.૧૪)

(12:17 PM IST)