તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
જસદણના પીઢ સામાજિક અગ્રણી અશોકભાઈ મહેતાનું આજે જન્મ દિવસે જ હાર્ટએટેકથી અવસાન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતાને આજે જન્મદિને અચાનક જ હાર્ટએટેક આવતા તેમનું અવસાન થયું છે.
દશા મોઢ માંડલીયા વણિક અશોકભાઈ કેશવલાલ મહેતા જનસંઘ સમયના ભાજપના અગ્રણી હતા. જસદણની કન્યા વિનય સ્કૂલ, હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાંજરાપોળ, શ્રીનાથજી હવેલી, જસદણ ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી વેણીલાલ કલ્યાણી સ્કૂલ, શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ સહિતની અનેકવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. હંમેશા તટસ્થ અને સત્યવાદી અભિગમ ધરાવતા અશોકભાઈ મહેતા છેલ્લા છ દાયકા કરતાં વધારે સમયથી જસદણ વિછીયા વિસ્તારમાં જાહેર જીવનમાં તેમની સેવાઓ આપતા હતા. તેમની સેવાકીય પ્રવળત્તિને લઈને જસદણ વીંછિયા વિસ્તારમાં તેમની સારી લોકશાહી હતી. તેઓ સતત ત્રણ દાયકા સુધી ભાજપમાંથી જસદણ નગરપાલિકાના સભ્ય રહી ચૂકયા છે. આ ઉપરાંત જસદણ નગરપાલિકાના પ્રમુખ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અનેક હોદા ઉપર સેવા આપી ચૂકયા છે. જસદણ વિસ્તારના જાહેર જીવનમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું હતું. તાજેતરમાં જ હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ભવ્ય બિલ્ડીંગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે તેમાં તેઓ ટ્રસ્ટી તરીકે સતત સેવા આપતા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે જનસંઘના કાર્યકર હતા ત્યારે જનસંઘના કાર્ય અર્થે જસદણ આવતા ત્યારે અશોકભાઈ મહેતાના ઘરે જ રોકાણ કરતા હતા. અટલબિહારી બાજપાઈ, ઉમા ભારતી સહિતના દેશના દિગ્ગજ નેતાઓ તેમના ઘરે આવી ચૂકયા છે. ૭૫ વર્ષની ઉંમરે પણ અશોકભાઈ મહેતા યુવાનોને શરમ આવે તેવી સ્ફૂર્તિથી સેવા કાર્યો કરતા હતા. ગઈકાલે જસદણ જે હવેલી ખાતે વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન હતું ત્યારે તેઓ ખુદ પ્રસાદ માટેના કાઉન્ટર ઉપર પીરસવાની સેવા આપી રહ્યા હતા. આજે બપોરે અચાનક જ તેમને હૃદય રોગનો હુમલો આવતા માણેક સમાજના જાહેર જીવનમાં શોકનું મોજુ ફેલાયું છે. તેઓ તેમના પત્નિ પ્રજ્ઞાબેન, પુત્ર મુકુલભાઈ, પુત્રી રૂપલબેન તથા પુત્રી ફોરમબેન, પુત્રવધુ બિનિતાબેન,પૌત્રી જીયા તેમજ પરિવારના વિરલભાઈ, સેજલબેન,રિશી, દેવ, સહિતના પરિવારજનોને કલ્પાંત કરતા છોડી ગયા છે.(૨૩.૨૭)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
