<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પાટડીમાં હેવી લાઇન નીચે શેઇડ નાખતી વખતે વિજ કરંટ લાગતા વેલ્‍ડીંગ કરનાર મજૂરનું નીચે પટકાતા મોત

વઢવાણઃ તા.ર૬, પાટડી નગરના બજાણા રોડ પર આવેલી રૂદ્રાક્ષ સોસાયટીની પાસે દુકાનની બહાર ગેરકાયદે શેઈડની નાખવાની કામગીરી દરમિયાન લાટીવાસમા રહેતા ૩૦ વર્ષના આશાસ્‍પદ રાજુભાઈ વરવાભાઈ ઠાકોરને કરંટ લાગતા નીચે પટકાયા હતા. નીચે પટકાતા લોહી લુહાણ થયા હતા.રાજુભાઈને સારવાર અર્થે પાટડી હોસ્‍પિટલ લઇ જવાયા હતા. જ્‍યા ફરજ પરના તબીબે મળત જાહેર કર્યા હતા.

 બનાવની જાણ થતા પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની, હાર્દિક પ્રજાપતિ સહિતના લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા. મહત્‍વનું છે કે થોડા મહિના પહેલા ગેરકાયદે શેઈડ સહિતના દબાણ પ્રાંત અધિકારીની સુચનાથી પીડબલ્‍યુડી ડિપાર્ટમેન્‍ટ અને નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્‍યા હતા. ત્‍યારે તાજેતરમાં ફરી દબાણ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેવામાં રૂદ્રાક્ષ સોસાયટી પાસેની દુકાનદાર દ્વારા પણ ગેરકાયદે પતરાના શેઈડ નખાવાની કામગીરી ચાલી રહી હતી.

શેઈડથી માત્ર ત્રણ ફૂટના અંતરે ૧૧,૦૦૦ કિલો વોલ્‍ટની હેવી લાઈન પસાર થાય છે. જીવનુ જોખમ ઉભુ થાય તેમ હોવા છતાં બેદરકારી દાખવી દરમિયાન વેલ્‍ડીંગ કરતા મજૂરનું મોત નિપજતા ચારે તરફ શોકનું મોજુ ફરી વળ્‍યું છે. બનાવની જાણ થતા પાટડી પોલીસ મથકના એએસઆઈ ભારતસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ અનિલદાન ગઢવી હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હેવી લાઇનની નીચે શેઈડ નાખનારને નોટીસ અપાશે.

(10:29 AM IST)