<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ખાખીજાળીયા નેશને ધારાસભ્‍યે ‘‘જ્‍યોતિગ્રામ યોજના''માં સમાવ્‍યું

મોજેશ્વર નેશનો વીજ પુરવઠો ચોવીસ કલાક ચાલુ રહેશે

મોટી પાનેલી  તા.ર૬: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ ખાતે પી.જી.વી.સી.એલ.ની રાજકોટ ગ્રામ્‍ય વર્તુળ કચેરી દ્વારા તા. ૨૫ એપ્રિલને શુક્રવારના રોજ ખાખીજાળીયા નેસ વિસ્‍તારનો ‘‘જ્‍યોતિગ્રામ યોજના'' હેઠળ સમાવેશ કરવાનો ધારાસભ્‍યશ્રી મહેન્‍દ્રભાઈ પાડલીયાના હસ્‍તે શુભારંભ કરાયો હતો.

ખાખીજાળીયા ગામના મોજેશ્વર નેસ વિસ્‍તારના પેટા પરામાં રહેતા ૧૫ પરિવારોને ઘર વપરાશ માટે લાંબા સમયથી ખાખીજાળીયા ખેતીવાડી ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. ખેતીવાડીના હેતુસર ફીડર હોવાથી થ્રી ફેઇઝ પાવર સપ્‍લાય ૦૮ કલાક માટે આપવામાં આવતો હતો. જે સંદર્ભે પાડલીયાના પ્રયાસો અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની ભાગીદારીથી વાડલા જે.જી.વાય. ફીડરમાંથી ૨૪ કલાકનો ગુણવત્તાભર્યો અને નિયમિત વીજ પુરવઠો મળી રહે, તે આશયથી એનર્જી અને પેટ્રોકેમિકલ્‍સમાંથી જરૂરી મંજૂરી મેળવીને તેની શરૂઆત કરી હતી.

આ તકે પાડલીયાએ જણાવ્‍યું હતું કે  મોજેશ્વર નેસ વિસ્‍તારના નિવાસીઓની સમસ્‍યાઓને ધ્‍યાનમાં લઈને પી.જી.વી.સી.એલ. સાથે  આ સમસ્‍યા બાબતે સંવાદ કર્યો હતો અને ગાંધીનગરમાં ઉર્જા વિભાગને રજૂઆત કરી હતી. જેથી, સમયસર મંજૂરી મળ્‍યેથી પેટા પરા વિસ્‍તારમાં ૧૧ કે.વી. વાડલા જે.જી.વાય. ફીડરમાંથી ૨૪ કલાકનો વીજ પુરવઠો શરૂ થયો છે. પી.જી.વી.સી.એલ. અધિકારીઓની મહેનતથી જ આ શકય બન્‍યું છે. જેનાથી લોકોની મૂળભૂત સમસ્‍યા હલ થવાથી તેમના જીવનધોરણમાં પણ સુધારો થશે. આ તકે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ મોજેશ્વર નેસ વિસ્‍તારના લોકોને ભવિષ્‍યમાં પણ વીજ પુરવઠો અવિરત અને ગુણવત્તાપૂર્ણ રીતે મળતો રહેશે, તેવી ખાતરી આપી છે.

આ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર  ઉપાધ્‍યાય, કાર્યપાલક ઇજનેર રાડા, નાયબ ઈજનેર સી. ડી. મકવાણા, નાયબ કલેકટરશ્રી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ઉપસ્‍થિત રહ્યાં હતાં, તેમ યાદીમાં જણાવાયું છે. (તસવીર અહેવાલઃઅતુલ ચગ)

(12:20 PM IST)