તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Saturday, 26th April 2025
જસદણ પીઢ સામાજિક અગ્રણી અશોકભાઈ મહેતાની
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા સહિતના લોકોની અંતિમયાત્રામાં ઉપસ્થિતિ : કાલે સવારે ૯ થી ૧૧ પ્રાર્થના સભા બેસણું યોજાશે

જસદણ-આટકોટ, તા.૨૬: જસદણ ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહૈતાને તા.૨૫-૦૪-૨૦૨૫ના રોજ તેમના જન્મ દિવસના દિવસે બપોરે તેમના ઘરે અચાનક જ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. ગઈકાલે રાત્રે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત જસદણ પંથકના જાહેર જીવનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોઢ વણિક અશોકભાઈ કેશવલાલ મહેતા (ઉં.વ. ૭૭) જનસંઘ સમયના ભાજપના અગ્રણી હતા. જસદણની કન્યા વિનય સ્કૂલ, હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાંજરાપોળ, શ્રીનાથજી હવેલી જસદણ, ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી વેણીલાલ કલ્યાણી સ્કૂલ, શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ સહિતની અનેકવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. હંમેશા તટસ્થ અને સત્યવાદી અભિગમ ધરાવતા અશોકભાઈ મહેતા છેલ્લા છ દાયકા કરતાં વધારે સમયથી જસદણ વિછીયા વિસ્તારમાં જાહેર જીવનમાં તેમની સેવાઓ આપતા હતા. તેમની સેવાકીય પ્રવળત્તિને લઈને જસદણ વીંછિયા વિસ્તારમાં તેમની સારી લોકચાહના હતી. તેઓ સતત ત્રણ દાયકા સુધી ભાજપમાંથી જસદણ નગરપાલિકાના સભ્ય રહી ચૂકયા છે. આ ઉપરાંત જસદણ નગરપાલિકાના પ્રમુખ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અનેક હોદા ઉપર સેવા આપી ચૂકયા છે. જસદણ વિસ્તારના જાહેર જીવનમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું હતું. તાજેતરમાં જ હરિબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ભવ્ય બિલ્ડીંગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે તેમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સતત સેવા આપતા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે જનસંઘના કાર્યકર હતા ત્યારે જનસંઘના પ્રચાર અર્થે જસદણ આવતા ત્યારે અશોકભાઈ મહેતાના ઘરે જ રોકાણ કરતા હતા. અટલબિહારી બાજપાઈ, ઉમા ભારતી સહિતના દેશના દિગ્ગજ નેતાઓ તેમના ઘરે આવી ચૂકયા છે. ૭૭ વર્ષની ઉંમરે પણ અશોકભાઈ મહેતા યુવાનોને શરમ આવે તેવી સ્ફૂર્તિથી સેવા કાર્યો કરતા હતા. ગુરુવારે જસદણ શ્રીનાથજી હવેલી ખાતે વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન હતું ત્યારે તેઓ ખુદ ભોજન પ્રસાદ માટેના કાઉન્ટર ઉપર પીરસવાની સેવા આપી રહ્યા હતા. તેમની વિદાયથી જસદણના જાહેર જીવનમાં શોકનું મોજુ ફેલાયું છે. તેઓ તેમના પત્ની પ્રજ્ઞાબેન, પુત્ર મુકુલભાઈ, પુત્રી રૂપલબેન તથા પુત્રી ફોરમબેન, પુત્રવધુ બિનિતાબેન,પૌત્રી જીયા તેમજ પરિવારના વિરલભાઈ, સેજલબેન,રિશી, દેવ, સહિતના પરિવારજનોને કલ્પાંત કરતા છોડી ગયા છે. તા. ૨૭-૪-૨૦૨૫ને રવિવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી શ્યામકુંજ હોલ ચિતલિયા રોડ જસદણ ખાતે અશોકભાઈ મહેતા બેસણું પ્રાર્થના સભા યોજાશે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
