<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગોંડલના ધમાસણમાં બન્ને પક્ષો લડી લેવાના મુડમાં : સામસામી પોલીસ ફરીયાદ

અલપેશ કથીરીયાના સમર્થનમાં આવેલ ૪ જેટલી કારમાં ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તોડફોડ અંગે ર૦ સામે ગુન્‍હો : ર ની ધરપકડઃ અલ્‍પેશ કથીરીયાના સમર્થક બ્રેઝા કાર ચાલક દ્વારા ગણેશ જાડેજાના સમર્થકો ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ મામલે પોલીસમાં ગુન્‍હો દાખલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૮ :  ગોંડલમાં ગઇકાલે અલ્‍પેશ કથીરીયાના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્‍ચે ઘર્ષણ થયું હતું. એક તરફ જ્‍યાં અલ્‍પેશ કથીરિયાના સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકો પર હુમલો કરવાનો અને તેમની કારના કાચ તોડવાનો આક્ષેપ કર્યો છે ત્‍યાં બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો પર અલ્‍પેશ કથીરીયાના સમર્થક પર આરોપ લગાવાયો છે કે તેણે કારથી ટોળાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો.

આ મામલે અલ્‍પેશ કથીરીયા અને ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા સામ-સામે ફરિયાદ થઈ છે. જે હેઠળ ઇન્‍દ્રસિંહ જાડેજા, પિન્‍ટુ સાવલિયા, પુષ્‍પરાજ વાળા, લક્કીરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, નિલેશ ચાવડા તેમ જ અજાણ્‍યા ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં આરોપ કરાયો છે કે અલ્‍પેશ કથીરિયાનાં સમર્થનમાં આવેલી ૪ જેટલી કારમાં ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તોડફોડ કરાઈ હતી. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ દ્વારા સરકાર પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

બીજી તરફ અલ્‍પેશ કથીરિયાનાં સમર્થક અને બ્રેઝા કારચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કારચાલક દ્વારા ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવી દેવાનો આરોપ થયો છે. આ મામલે પોલીસે મનુષ્‍યવધનાં પ્રયાસ અંગેના આરોપ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ચાલક દ્વારા ટોળું ઊભું હોવા છતાં જાણી જોઈને સ્‍પીડથી કાર હંકારીને હત્‍યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ થયો છે. આ મામલે ગ્‍ફલ્‍ ની કલમ ૧૧૦ મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ

છેલ્લા કેટલાક સમયથી અલ્‍પેશ કથીરિયા,જીગીશાબેન પટેલ દ્વારા જયરાજસિંહ જાડેજાનાં પરીવારની ટીક્કા ટિપ્‍પણીઓ સાથે ગોંડલ માં ગુંડારાજ ચાલી રહ્યાનાં આક્ષેપો સોશ્‍યલ મિડીયામાં કરાઇ રહ્યા હતા.

આક્ષેપો નો જવાબ આપવો હોય તેમ પાટીદારોની બહુમતી ધરાવતા સુલતાનપુર માં ગણેશ જાડેજાએ જનાક્રોશ સભા લઇ અલ્‍પેશ કથીરિયા સહિત ને પડકાર ફેંકયો હતો.જેને લઇ ને અલ્‍પેશ કથીરિયા જીગીશા પટેલ સહિત સવારે ગોંડલ આવી પંહોચ્‍યા હતા.

અલ્‍પેશ કથીરિયાની ગોંડલ મુલાકાત ને લઇ ને ગોંડલ માં ઉતેજના નો માહોલ છવાયો હતો. ગણેશ ગોંડલનાં સમર્થકો શનિવાર રાતથી જ એકઠા થઇ અલ્‍પેશ કથીરિયાનો વિરોધ દર્શાવવા આક્રમક બન્‍યા હોય ગોંડલમાં જીલ્લાભરની પોલીસ નો બંદોબસ્‍ત તૈનાત કરી દેવાયો હતો.

અલ્‍પેશ કથીરિયા રાજકોટ થી ગોંડલ આવવા નિકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં રીબડા, ભુણાવા, ભરૂડી, શેમળા ચોકડી, બીલીયાળા, ભોજપરા સહિત નેશનલ હાઇવે  પર  ઉતરી આવેલા લોકોએ કાળા વાવટા અને બેનરો રાથે અલ્‍પેશ કથીરિયાનો વિરોધ દર્શાવ્‍યો હતો.

અલ્‍પેશ કથીરિયાનો કાફલો ગોંડલ આશાપુરા ચોકડીએ પંહોચ્‍યો ત્‍યારે તેની સાથે યુદ્ધ એજ કલ્‍યાણ ગળપ નાં લોકો જોડાયા હતા.પરંતુ અલ્‍પેશ કથીરિયાને આશાપુરા ચોકડી પર ગણેશ નાં સમર્થકોનો ભારે સામનો કરવો પડ્‍યો હતો.પોલીસ નો બંદોબસ્‍ત હોવા છતા સમર્થકોએ અલ્‍પેશ કથીરિયાની ગાડી રેકી હાયહાય નાં સુત્રોચારો સાથે હલ્‍બાબોલ કરી મુકતા પેલીસે મહામહેનતે અલ્‍પેશ નાં કાફલાને કોર્ડન કરી આશાપુરા મંદિરે પંહોચાડ્‍યા હતા.દરમિયાન અલ્‍પેશ કથીરિયાની ગાડી સહિત અન્‍ય ગાડીઓ નાં કાચ ફોડાયા હતા.અને પત્‍થરબાજી થઇ હતી.

આશાપુરા મંદિરે દર્શન કરી અલ્‍પેશ કથીરિયા, જીગીશા પટેલ,ધાર્મિક માલવીપા સહિત કાફલો અક્ષર મંદિર પંહોચ્‍યો હતો. જ્‍યાં ગણેશનાં સમર્થનમાં ઉમટેલી મહીલાઓ એ નારાબાજી કરી કાફલાને અટકાવ્‍યો હતો.મહીલાઓ ને ખદેડી  અલ્‍પેશ નાં કાફલાને અક્ષર મંદિર પંહોચાડવામાં પોલીસ ને પરસેવો વળી ગયો હતો.અક્ષર મંદિર થી જયરાજસિંહ જાડેજાનાં નિવાસસ્‍થાન અને ત્‍યાંથી લઈ મુખ્‍ય રાજમાર્ગોપર કોલેજચોક સુધી મહીલાઓ સહિત ગણેશ જાડેજાનાં સમર્થકોનાં ટોળા ઉમટી પડ્‍યા હોય રોડ બ્‍લોક થવાથી અલ્‍પેશ કથીરિયાનાં કાફલાએ રુટ બદલી ખટારાસ્‍ટેન્‍ડ ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી ફુલહાર કર્યા હતા. ત્‍યાંથી જેલચોક પંહોચી શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરી જેતપુર રોડ ત્રણ ખુણીયા એ પંહોચી સરદાર પટેલ ની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. અહી ગણેશ નાં સમર્થકો પંહોચી જતા માહોલ ગરમાયો હતો.જપાજપી ની ઘટના પણ બની હતી.બાદમાં ગોંડલ ફરવાનો પ્રવાસ ટુંકાવી અલ્‍પેશ કથીરિયા,જીગીશા પટેલ,ધાર્મિક માલવીયા સહિત નો કાફલો ખોડલધામ જવા રવાના થયો હતો.

અલ્‍પેશ કથીરિયાને લોકો વચ્‍ચે આવી સંબોધન નો મોકો મળ્‍યો ના હતો.પરંતુ મિડીયા સામે તેમણે કહ્યુ કે લોકશાહી માં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસાગીરી થઇ રહીછે.રેલીને રોકવાનો, લોકોને માર મારવાનો અને પોલીસ ની હાજરીમાં ગાડીઓ પર હુમલા કરવા ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું એ આજ સાબીત થયુછે.સ્‍વાભિમાન પર આંગળી ઉઠાવાશે ત્‍યારે ગોંડલ ચોક્કસ આવીશુ.પત્રકારો એ અલ્‍પેશ ને પ્રશ્ર્‌નોતરી કરીકે પાટીદાર મુખ્‍યમંત્રીછે. ગોંડલ રાજકોટ માં પાટીદાર સાંસદ છે.તો પાટીદારો કેમ ભય માં? આ વેળા અલ્‍પેશ કથીરિયાએ ફેરવી તોળ્‍યુ કે ગોંડલમાં ફક્‍ત  પાટીદારોની વાત નથી અઢારે આલમની વાત છે.માત્ર કોઇ એક સમાજની વાત નથી.તેમણે કહ્યુ કે ગોંડલની પ્રજા પીડા ભોગવી રહીછે. તે જાણવાનો પ્રયાસ છે.

જીગીશા પટેલે કહ્યુ કે ગોંડલમાં પ્રવાસી તરીકે આવ્‍યા છીએ, અહી બધા આવી શકે.ગોંડલ કોઇ ની જાગીર નથી.વિનુભાઈ શિંગાળાની પ્રતિમા મુકવાની વાત કરી ત્‍યાં આ લોકો હલી ગયા. ઘણા પાટીદારોની હત્‍યા થઈ. તેના ગુનેગારો આઝાદ થઇ ફરી રહ્યાછે.તેમણે કહ્યુ કે હું ભારતીય જનતા પાર્ટી ને સવાલ કરુછુ કે આવા ગુન્‍હેગારોની તમારે શું જરુર છે. સરકાર સુધી અવાજ પંહોચાડવા આ કાર્યક્રમ કર્યો છે.અલબત પત્રકારો નાં કેટલાક સવાલોના જવાબ જીગીસા પટેલ આપી શકયા ના હતા.

બીજી બાજુ આજનાં માહોલ ને લઇને જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ ની જનતા એ અલ્‍પેશ કથીરિયાને જાકારો આપી જવાબ આપી દિધોછે.આ લોકો ચુંટણી પહેલા પાળ બાંધવા આવ્‍યા છે. પાટીદાર આંદોલન માં નાપાસ થયેલા લોકોછે. અલ્‍પેશ કથીરિયા ભાજપમાં હોવા છતાં અહી ભાજપ નું વાતાવરણ બગાડવા આવ્‍યાછે. આ અંગે હું ભાજપ હાઇકમાન્‍ડને ફરિયાદ કરીશ.

જયરાજસિંહ જાડેજાએ કહ્યુકેબહાર થી આવેલા લોકો ગોંડલ ને બદનામ કરી રહ્યા છે. અહી શાંતિ અને અમનચૈનનું વાતાવરણ છે. પરંતુ શાંતિ તોડવાનુ ષડયંત્ર કોંગ્રેસ પ્રેરીત છે.કોંગ્રેસનાં દિનેશભાઈ પાતરે અમારા બેનરો તોડ્‍યા છે.તેનો આ જનાક્રોશ છે.

બહાર થી આવેલા લોકોને અહી નાં પાટીદાર સમાજ ની સમજ નથી. વર્ષોથી પાટીદાર સમાજની આગેવાની કરતા પરસોતમભાઈ વઘાશીયા, મગનભાઈ ઘોણીયા સહિત આગેવાનો મારી સાથેછે.

ગોંડલ ને ટાર્ગેટ બનાવનારાઓ ને કહુછુ કે અણવર બનીને નહી વરરાજા બનીને આવો, જનતા જવાબ આપશે. ધારાસભાની ચુંટણીને હજુ ખાસ્‍સી વાર છે.પણ આગામી સમયમાં નગરપાલીકા, તાલુકા પંચાયત સહિત ગોંડલ ની ચાર સંસ્‍થાઓ ની ચુંટણીઓ આવી રહી છે. તેમાં વરરાજા બનીને આવો તેવી મારી અપીલ છે. પ્રજા જવાબ આપી દેશે.

તેમણે કહ્યુ કે આ ગોંડલને ઉશ્‍કેરવાનો પ્રયાસ છે. પણ જનતા મારી સાથે છે.

ગોંડલ માં અલ્‍પેશ કથીરિયાની મુલાકાત ને લઇને અઢીથી ત્રણ કલાક ચાલેલા હાઇવોલ્‍ટેજ ડ્રામા વચ્‍ચે શહેર માં વાતાવરણ તંગ બન્‍યુ હતુ. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી)  (૯.૧૧ )

(1:16 PM IST)