News of Monday, 28th April 2025
જસદણના મહામાનવ અશોકભાઈ મહેતાને ૫૧ સંસ્થાઓ દ્વારા મંગળવારે પુષ્પાંજલી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૮: જસદણના મહામાનવ અશોકભાઈ મહેતાને શુક્રવારે તેમના જન્મ દિવસના રોજ અચાનક જ હાર્ટ એટેક આવતા અવસાન થતા સદગત અશોકભાઈને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ તારીખ ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારે રાત્રે ૯ કલાકે યોજાશે.
૭૭ વર્ષના અશોકભાઈ મહેતા એક સાચા લોકસેવક હતા તેમની છેલ્લા છ દાયકાની જસદણ વીંછિયા વિસ્તારની જાહેર જીવનની કામગીરી દરમિયાન હજારો લોકોને કોઈને કોઈ રીતે ઉપયોગી થયા હતા. ભૂતકાળમાં દુષ્કાળના સમયે રાહત કામો, પશુઓ માટેના કેટલ કેમ્પની સેવા હોય કે કોરોના સમયે જલારામ મંદિર જસદણ દ્વારા લોકોને બંને ટાઈમ ભોજન પ્રસાદ પહોંચાડવાની સેવા હોય કે જસદણમાં કોઈ પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમ હોય કે અન્ય કોઈ પણ સેવાનું કાર્ય હોય દરેક જગ્યાએ અશોકભાઈ મહેતા સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે સેવાકીય કામગીરી કરતા હતા. ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ બાદ શહીદ પરિવારો માટે જસદણ પંથકમાંથી લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાની સેવા કરી હતી. ૨૦૦૧ માં કચ્છમાં ભૂકંપના બીજા જ દિવસથી શરૂ કરીને સતત ૪૦ દિવસ સુધી કચ્છ વિસ્તારમાં તેમના ટ્રસ્ટ દ્વારા બંને ટાઈમ ભોજનનો કેમ્પ તથા હજારો લોકોને રહેવા માટે ટેન્ટ આપવાની સેવા કરી હતી. તેઓ ભાજપના ટોચના અને સૌથી જૂના અગ્રણી હતા. તેઓ જનસંઘ સમયના ભાજપના અગ્રણી હોવા છતાં તેમના દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કોંગ્રેસની વિચારસરણી ધરાવતા ગરીબ લોકોને પણ વિનામૂલ્યે એડમિશન આપીને ભણાવતા હતા. સેવા કાર્યમાં તેઓ કયારેય કોઈ પણ નાત જાત જ્ઞાતિ જાતિ કે રાજકારણનો કોઈ જ ભેદ રાખતા ન હતા.
સેવાની નદી હંમેશા તેમના લોહીમાં વહેતી હતી. જસદણના સાચા લોક સેવક કહી શકાય તેવા મહામાનવ અશોકભાઈ મહેતાને જસદણ પંથકની જુદી જુદી ૫૧ થી વધારે સંસ્થાઓ દ્વારા ભાવ અભિવ્યક્તિ સાથે પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ તા. ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારે રાત્રે ૯ કલાકે હરિબાપા કોલેજ, લાતી પ્લોટ, મણીનગર જસદણ ખાતે રાખવામાં આવ્યો છે.
અશોકભાઈ મહેતાના પરિવારજનો, સગા સંબધી તોહીજનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે. જે કોઈ સંસ્થાઓને પુષ્પાંજલિ અર્પણ કરવી હોય તેઓએ તેમની સંસ્થાનું નામ મોબાઈલ નંબર ૯૮૨૪૪૧૫૮૧૧ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિવિધ સંસ્થા મંડળો સહિત જસદણ વિછીયા પંથકની જાહેર જનતા માટે આ પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.(૨૩.૮)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
