<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગોંડલમાં ભાજપની આંતરિક લડાઈ :અલ્પેશ કથીરિયાના કાફલા પર હુમલાને વિપક્ષ નેતા અમિત ચાવડાએ વખોડ્યો

ગોંડલમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી : જયરાજસિંહ જાડેજાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ સ્થિત લુહાર જ્ઞાતિની વાડી ખાતે રવિવારે કોંગ્રેસ દ્વારા સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ કથીરિયાના કાફલા પર થયેલા હુમલાને વિપક્ષ નેતા અમિત ચાવડાએ વખોડ્યો હતો તેમજ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગોંડલમાં અલ્પેશ કથીરીયાના આગમન સમયે થયેલા વિરોધ અને તેમની કારમાં થયેલી તોડફોડની ઘટના અંગે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે આ ઘટનાને વખોડી કાઢી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકારની નિષ્ફળતા ગણાવી હતી.ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ કાર્યક્રમને કોંગ્રેસ પ્રેરિત ગણાવવાના આક્ષેપોનો પણ અમિત ચાવડાએ જવાબ આપ્યો હતો. તેમણે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

વધુમાં અમિત ચાવડાએ ગુજરાતભરમાં ભાજપની આંતરિક લડાઈ અને કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગણી કરી હતી. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવા માળખાની રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

(12:53 PM IST)