<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

બે વર્ષ પહેલા લગ્ન કરનાર વિછીયા તાલુકાના ખારચિયા ગામે રહેતી પરણીતાનો આપઘાત : પરિણીતાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ચકચાર

પતિ રમેશ ગોહેલ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી અગાઉ બે વખત માવતરે રિસામણે ચાલી ગઇ હતી,ગઇ કાલે કાજલે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ મામાજી સસરાએ કાજલના કાકા ધીરુભાઇ રોજાસરાને ફોન કરીને ઘટના અંગે જાણ કરી

વિછીયા તા.૨૯ :  વિછીયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ બે વખત રિસામણે ચાલી ગઇ હતી. જેને પગલે મૃતક પરિણીતાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના ખારચીયા ગામે રહેતી કાજલબેન રમેશભાઇ ગોહેલ નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ ઘટના અંગે જાણ થતા વીછીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. મૃતક પરિણીતાના માવતર પક્ષે કાજલની હત્યાનો આક્ષેપ કરતા વિછીંયા પોલીસ દ્વારા પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક કાજલના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ રમેશ ગોહેલ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી અગાઉ બે વખત માવતરે રિસામણે ચાલી ગઇ હતી. ગઇ કાલે કાજલે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ મામાજી સસરાએ કાજલના કાકા ધીરુભાઇ રોજાસરાને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી. કાજલને મારી નાખ્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વિછિંયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:57 PM IST)