<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

ગોંડલમાં શકિત પ્રદર્શનમાં રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન કરનારા હિતેશ રાઠોડ સહિત બે સામે ગુનો

રવિવારે અલ્‍પેશ કથીરીયા અને ગણેશ જાડેજાના શકિત પ્રદર્શનમાં બંને પક્ષ વચ્‍ચે ઉગ્ર દેખાવો થયો હતોઃ થાર ગાડીમાં લગાવેલો રાષ્‍ટ્રધ્‍વજને અજાણ્‍યા શખ્‍સે ઉખેડી ફેંકી દીધોઃ ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૯: ગોંડલના આશાપુરા ચોકડી પાસે રવિવારના રોજ અલ્‍પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્‍ચેના શક્‍તિપ્રદર્શનમાં સમર્થકો સામે વધુ એક ગુનો નોંધાયો છે. સુરત પાસિંગની થાર જીપમાં લગાવવામાં   આવેલ રાષ્‍ટ્રધ્‍વજને ખેંચીને તોડી નાખી નીચે ફેંકી દેનાર શખ્‍સ અને કોઈ અધિકાર ન હોવા છતાં થાર જીપમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવનાર થાર ચાલક સામે પોલીસે પ્રિવેન્‍સન ઓફ ઈન્‍સલ્‍ટ ટુ નેશનલ ઓનર એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.   ગોંડલમાં રવિવારે અલ્‍પેશ કથીરિયા અને પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના શક્‍તિ પ્રદર્શનમાં સામ સામે બંને પક્ષ વચ્‍ચે ઉગ્ર દેખાવો થયા હતા તેમજ ગણેશ જાડેજાના સર્મથકોએ અલ્‍પેશ કથિરિયાની કારના કાચ તોડ્‍યા હતા તો અલ્‍પેશના ટેકેદારો-સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકોના ટોળા ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. આ સમગ્ર દેખાવોમાં પોલીસ ભીંસમાં આવી હતી અને કાયદો વ્‍યવસ્‍થા જાળવવામાં પરસેવો પાડયો હતો.  દરમિયાન આશાપુરા ચોકડી પાસે જીજે-૦૫-આરયુ-૧૨૦૦ નંબરની થાર જીપમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવવામાં આવ્‍યો હતો જે રાષ્‍ટ્રધ્‍વજને અજાણ્‍યા શખસે ઉખેડી નીચે ફેંકી દીધો હોવાનું પોલીસના ધ્‍યાને આવતા પોલીસે રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન કરનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ અને થાર જીપનો ચાલક કે જેને ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ કારમાં લગાવવાનો કોઈ વિશેષાધિકાર ન હોવા છતાં કારમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવ્‍યો હતો બંને સામે ગોંડલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૬.૯)

(3:49 PM IST)