તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્યતાથી સંપન્ન : ૯૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત : ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિજી લોકર દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ પ્રદાન કરાયા
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું, જ્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા અનુરોધ કર્યો

ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અટલ ઓડિટોરિયમ ખાતે ગૌરવપૂર્ણ રીતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ અને ૩૪ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ ૯૦ વિદ્યાર્થીઓને ૮૮ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૧૨ વિદ્યાશાખાના ૧૩,૯૬૫ વિદ્યાર્થીઓને ડિજી લોકર એપ્લિકેશનના માધ્યમથી તેમની ડિગ્રી સર્ટિફિકેટ્સ પણ પ્રદાન કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે માતા-પિતા અને ગુરુજનોએ આપ સૌને ઉત્તમ શિક્ષણ આપ્યું છે, ત્યારે માત્ર સુશિક્ષિત હોવું પૂરતું નથી, પરંતુ ગુણવાન અને સંસ્કારી બનવું પણ અત્યંત આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ તેમના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભલા માટે કરવા માટે પ્રેરિત કર્યા હતા. આચાર્ય દેવવ્રતજીએ મૂલ્યો આધારિત જીવન જીવવા, સભ્ય બનવા અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે પદવી ધારણ કરનાર યુવાનોને દેશની પ્રગતિ અને ભવિષ્યના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.
વધુમાં રાજ્યપાલે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઋષિમુનિઓ પણ પોતાના શિષ્યોને શિક્ષા અને દીક્ષા આપ્યા બાદ સત્યનું પાલન કરવા, ધર્મ અનુસાર આચરણ કરવા અને અભ્યાસમાં ક્યારેય આળસ ન કરવા જેવા ઉપદેશો આપતા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં ક્યારેય પાછળ ન પડવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓ અને જ્ઞાનને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા, તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થાય તે દિશામાં પ્રયત્નો કરવા તેમણે સૂચન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે ‘માતૃદેવો ભવ:, પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ જેવા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પોતાના હૃદયમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ એવું જીવન જીવવા માટે તેમણે પ્રેરણા આપી હતી જેથી આવનારી પેઢી તેમનામાંથી પ્રેરણા મેળવી શકે.
રાજ્યપાલે શિક્ષણ અને ધર્મના સાચા અર્થને સમજાવતા કહ્યું હતું કે જેને ધારણ કરીએ તે ધર્મ છે, અને સત્ય તથા અસત્યમાંથી જે ટકી શકે તે જ ધર્મ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ પ્રાણીને દુઃખ પહોંચાડવું એ અધર્મ છે, જ્યારે વેદોમાં પણ પ્રાણીમાત્રના કલ્યાણ માટે કાર્ય કરવું એ જ ધર્મ હોવાનું કહેવામાં આવ્યું છે. ભણેલા અને અભણ વચ્ચે કોઈ ભેદ ન હોય તો ડિગ્રીનું શું મહત્વ? એવો પ્રશ્ન પૂછી તેમણે માતા-પિતાની સેવા કરવા, ગુરુજનોને ક્યારેય ન ભૂલવા અને જીવનના દરેક ક્ષેત્રમાં અન્યને ઉપયોગી બનવાની શીખ આપી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ આ દિવસને શૈક્ષણિક ઉત્સવ ગણાવ્યો હતો અને તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા કરવામાં આવેલા પ્રજાકલ્યાણના કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના પદવીદાન સમારોહમાં એનાયત કરાયેલા ૮૮ મેડલમાંથી ૬૨ જેટલા મેડલ માત્ર મહિલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે, જે દર્શાવે છે કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સફળતા હાંસલ કરી રહી છે. તેમણે પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી વધે છે તેમ જણાવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહેશે તેમ જણાવ્યું હતું. આજના ઝડથી બદલાતા સમયમાં નવી તકોને ઓળખવાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યે અનેક નવા કીર્તિમાન સ્થાપ્યા છે ત્યારે સૌને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેમણે આહ્વાન કર્યું હતું.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ત્યાગીને ભોગવી જાણે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી. જેમના નામ સાથે આ યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી સમયે ૫૬૨ રજવાડાઓમાંથી સૌથી પહેલું રાજ્ય દેશને અર્પણ કર્યું હતું, તે યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાનું ગૌરવ હોવું જોઈએ. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરીને વિનય, વિવેક, સત્ય પ્રાપ્તિ અને નિષ્ઠાના ગુણો સાથે તેઓ બહાર જઈ રહ્યા છે ત્યારે ભારતની સાંસ્કૃતિક ધરોહરની વિરાસતને ઉજાગર કરવાનું કાર્ય કરે. જીવનમાં ભણવું અને ગણવું જરૂરી છે, પરંતુ અહીંથી મેળવેલું જ્ઞાન જો યુનિવર્સિટીની લાયબ્રેરી યાદ કરાવે તો માનવું કે મેળવેલી પદવી શ્રેષ્ઠ છે. તેમણે ભાવનગર શહેરમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્યનું માન-સન્માન જળવાઈ રહે છે ત્યારે વ્યસનોથી દૂર રહેવા અને દૃઢ સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (નવી દિલ્હી)ના રાષ્ટ્રીય સચિવ ડૉ. અતુલ કોઠારીએ દીક્ષાંત પ્રવચન આપતા પ્રાચીન ભારતીય ગુરુકુળ શિક્ષણ પ્રણાલીના મૂલ્યો પર આગળ વધવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરતાં કહ્યું હતું કે ચરિત્ર નિર્માણથી જ વ્યક્તિ નિર્માણ થાય છે અને શિક્ષણનું મુખ્ય ધ્યેય ચરિત્ર નિર્માણ કરવાનું છે. ભૌતિકતાની સાથે આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી હોવાનું જણાવી તેમણે શાળાઓમાં 'શિક્ષા મેળવવા માટે આવો અને સેવા માટે સમાજમાં જાઓ' એવું લખવું જોઈએ તેમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીને સેવા માટે તૈયાર કરવા જોઈએ અને સંઘર્ષ એ જ જીવન છે, સંઘર્ષથી જ જીવનમાં આગળ વધી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ડિજી લોકર એપ્લિકેશન પર યુનિવર્સિટીનો ડેટા લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ ૨૦૧૬ થી જૂન ૨૦૨૪ સુધીની કુલ ૭,૬૨,૭૮૮ માર્કશીટનો ડેટા ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી અને માર્કશીટ 'ડિજિટલ લોકર' એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક ડૉ. હર્ષદ પટેલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
