News of Wednesday, 30th April 2025
જામનગર : હરિયા કોલેજના એવોર્ડ ફંક્શનના વિવાદ બાદ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રેસ કોન્ફરન્સ : ટ્રસ્ટમાં આંતરિક ડખ્ખા સપાટી પર
એવોર્ડ સમારોહમાં સ્થાપક ચેરમેનના પુત્રી દ્વારા વિરોધ : મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ : ઓશવાળ હાઈટ્સ બિલ્ડિંગના વિવાદમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી

જામનગર: હરિયા કોલેજના એવોર્ડ ફંક્શન દરમિયાન થયેલા વિવાદ બાદ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શન ચાલી રહ્યું હતું ત્યારે સંસ્થાના સ્થાપક ચેરમેનના પુત્રી જિજ્ઞાબેન શાહે જીગ્નેશભાઈ શાહ નામના વ્યક્તિને સ્ટેજ પર લઈ જવાનો વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ ફરિયા કોલેજના ટ્રસ્ટ મંડળમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
શુક્રવારના આ બનાવ બાદ સોમવારે હરિયા સ્કૂલના ઓડિટોરિયમમાં ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે આર.કે. શાહ, ભરતેશ શાહ સહિત ટ્રસ્ટના ૯ સભ્યો અને શાળા-કોલેજના સ્ટાફની ઉપસ્થિતિમાં માહિતી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્ટેજ પર ગયેલા જીગ્નેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓ ૧૭ માર્ચથી ટ્રસ્ટના આમંત્રિત સભ્ય છે. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરમાં કુલ ૧૮ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓશવાળ હાઇટ્સ બિલ્ડિંગના વિવાદ અંગે પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે જીઆઇડીસી દ્વારા ઓશવાળ હાઇટ્સની જગ્યા સંસ્થાના સ્ટાફ માટે ફાળવવામાં આવી હતી. જો કે, ચેરીટી કમિશનરની મંજૂરી વગર પોસ્ટ ધરાવતા લોકો દ્વારા હાઇટ્સના ફ્લેટનું વેચાણ કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો થયો હતો, જેના પગલે ટ્રસ્ટ મંડળ દ્વારા ચેરીટી કમિશનરને અરજી કરવામાં આવી છે.
હરિયા કોલેજના એવોર્ડ ફંક્શનમાં જીગ્નેશભાઈ શાહ વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કર્યા બાદ, જીગ્નેશભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચાર આક્ષેપ લગાવનાર જિજ્ઞાબેન શાહને પણ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
૪૩ વર્ષથી ચાલતા આ ટ્રસ્ટનો વિવાદ વધુ ઘેરો બનતા જામનગરના મહાજનમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ સંસ્થાના વહીવટ અને ભવિષ્ય અંગે અનેક સવાલો ઉભા કરે છે.
(તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
