<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

દ્વારકાના ઓખામઢી પાસે રાજકોટના પ્રૌઢ સાથે હનીટ્રેપમાં સંડોવાયેલ ર શખ્‍સોને કોર્ટમાં રજૂ કરાશે

વધુ એક હનીટ્રેપમાં ૬ લાખનો મુદામાલ જપ્તઃ પોલીસવડા નીતેશકુમાર પાંડેની આગેવાનીમાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના ઓખા મઢી પાસે રાજકોટના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડ વીસ લાખની ઉઠાંતરી  કરી જવાના બનાવમાં પોલીસને બે આરોપીઓની રીમાન્‍ડમાં બીજી હનીટ્રેપનો કેસ મળ્‍યો છે તથા અગાઉના કેસમાં મળેલા રૂપિયા કબ્‍જે થયા છે.

રાજકોટના કાલાવડ રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા નરેશભાઇ દેવરાજભાઇ સોરઠીયા (ઉ.૬૪) વાળો જે ઝવેલરી ડીઝાઇનના ટુલ્‍સનું મોટું કારખાનું ધરાવે છે તથા ખુબ જ શ્રીમંત છે તેને ટીંડર એપના માધ્‍યમથી નીકીતા ઉર્ફે આટથુ સીંઘ દ્વારા ફસાવીને દ્વારકાધીશના દર્શન કરીને આપણા નવા સંબંધની શરૂઆત કરીએ તેમ કહીને દ્વારકા કારમાં લઇ જતાં ઓખા મઢી પાસે જામનગર પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા સંજય કરંગીયા તથા જામનગર માં જ હોમગાર્ડઝ તરીકે ફરજ બજાવતા અજય હોમગાર્ડઝ વાળા એ ડ્રગ્‍સની પેકેટ મળ્‍યાનું જણાવીને તથા નીકિતા સાથે બળાત્‍કાર કર્યાનું જણાવીને આઠ-દશ કરોડ માંગતા એક કરોડ વીસ લાખ રૂપિયા દ્વારકા પી. એમ. આંગડીયા મારફતે નરેશભાઇએ ચૂકવ્‍યા હતા જે પછી તેને હનીટ્રેપની શંકા જતા પોલીસમાં ફરીયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્‍યો હતો.

આ બનાવના સંદર્ભમાં ડીવાયએસપી વિસ્‍મય માનસેતાએ જણાવેલ કે બનાવમાં વપરાયેલ સ્‍વીફટ કાર તથા પોલીસની નંબર પ્‍લેટ, પોલીસનો યુનિફોર્મ તથા અગાઉ પણ આ ટોળકીએ હનીટ્રેપ કર્યાનું કબુલતા તેમાં મળેલ છ લાખ રૂપિયાની રકમ પણ જપ્ત કરી છે.રીમાંડ પર લેવાયેલા આરોપીઓ આટથુ સીંઘ તથા પર્વતભાઇ બાસફોર્ટની પુછપરછમાં આ વિગતો ખુલતા ડી.વાય.એસ.પી. વિસ્‍મય માનસેતાના માર્ગદર્શનમાં ઓખા પો.સ.ઇ. આર. આર. ઝરુ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે બન્‍ને આરોપીની રીમાંડ પૂરી થતાં કોર્ટમાં રજુ થશે.

સંજય કરંગીયા તથા અજય હોમગાર્ડઝ એક કરોડ વીસ લાખની રકમ સાથે પલાયન થઇ ગયા હોય પોલીસ દ્વારા આ બન્‍નેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કોન્‍સ્‍ટેબલ સંજય કરંગીયા સામે અગાઉ ટ્રાફિકમાં નીકળેલા જામનગરના ધારાસભ્‍ય રીવાળા તેના પુત્ર સાથે જતાં હતા ત્‍યારે બોલાચાલી થતાં રીવાળાને માર માર્યાની પોલીસમાં ફરિયાદ પણ થઇ હતી. જો કે હની ટ્રેપમાં ફસાયેલા નરેશભાઇ સોરઠીયાએ હિંમત દાખવીને આ ફરિયાદ ના કરી હોત તો આ ટોળકી તેમની પાસેથી આઠ દશ કરોડ પડાવવા માંગતી હતી તથા તેવી માંગણી પણ થઇ હતી.દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં દ્વારકા પોલીસ દ્વારા આ બાબતે ઉંડી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

(11:45 AM IST)