<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટના શખ્‍સે ૧૫.૪૭ લાખની લોન નહિ ભરી ટ્રક ગુમ કરી દીધો

માળિયાના ભંડુરીના યુવાનની પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ,૩૦: રાજકોટના શખ્‍સે ૧૫.૪૭ લાખની લોન નહિ ભરી ટ્રક ગુમ કરી દઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માળિયાના ભંડુરીના યુવાને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામના ૩૦ વર્ષીય ગોવિંદભાઈ ભીખાભાઈ ભરડાએ ૨૦૨૪ના સપ્‍ટેમ્‍બર મહિનામાં ગાંધીનગર ખાતેથી ભરતભાઈ નામની વ્‍યક્‍તિ પાસેથી જીજે ૧૮ બીવી ૫૯૮૩ નંબરનો ટ્રક ફાઇનાન્‍સ કંપનીની રૂપિયા ૧૫,૮૦,૬૪૦ની લોન ભરવાની શરતે વેચાતો લીધો હતો. અને ચાર પાંચ મહિના ટ્રક ચલાવ્‍યો હતો. લોનના ચાર હપ્તા મળે રૂપિયા ૧,૩૧,૭૨૦ની રકમ ભરી હતી. વધારે લોન ફરી શકાય તેમ ન હોવાથી ડ્રાઇવર ગ્રુપમાં ટ્રક વેચવા માટે ફોટો મૂકયો હતો. જેના આધારે રાજકોટમાં સીતારામ સોસાયટી, શેરી નંબર ૧૦, કોઠારીયા મેઇન રોડ પર રહેતા મોહિત બટુક બારૈયાએ ગોવિંદભાઈનો સંપર્ક કર્યો હતો. ગઈ તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ આવી રૂપિયા ૧.૮૦ લાખ આપી  ફાઇનાન્‍સ કંપનીની લોન ભરવાની શરતે સ્‍ટેમ્‍પ પેપર પર લખાણ કરી શખ્‍સ ટ્રક વેંચાતો લઈ ગયો હતો. બાદમાં રૂપિયા ૩૨,૯૩૦ની રકમ ગોવિંદભાઈના બેંક ખાતામાં જમા કરાવતા તેમણે હપ્તો ભરી આપ્‍યો હતો.

પરંતુ આ પછી મોહિતના સંપર્ક થયો ન હતો. જેથી ટ્રક માલિક ગોવિંદભાઈ શખ્‍સના ઘરે રાજકોટ પહોંચ્‍યા હતા પરંતુ ત્‍યાંથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્‍યું  હતું. દરમિયાન ગઈ તારીખ ૧૨ એપ્રિલના રોજ હરિયાણા પોલીસે ટ્રકનો રૂપિયા ૫૦૦ દંડ કર્યાનો મેસેજ આવ્‍યો હતો.

આમ મોહિતે રૂપિયા ૩૨,૯૩૦ના ૪૮ હપ્તા મળી કુલ રૂપિયા ૧૫,૮૦,૬૪૦ રકમ ભરવાની શરતે વેચાતો લઈ જાય માત્ર એક હપ્તો ભરી બાકીની રકમ નહીં પડે ટ્રક ગુમ કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કરતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:12 PM IST)