<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રિલાયન્સ દ્વારા હર્ષદપુરમાં નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો

ખંભાળીયાના હર્ષદપુરમાં શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનું રિલાયન્સ દ્વારા અખાત્રીજના શુભ દિવસે ભૂમિપૂજન : વિદ્યાર્થીઓને મળશે સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શૈક્ષણિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે, અખાત્રીજના શુભ દિવસે, ખંભાળીયાના હર્ષદપુર ખાતે શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજ્યો હતો. આ વિસ્તારના લોકોની જરૂરિયાત અને રજૂઆતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ રિલાયન્સ દ્વારા તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ આ સુવિધાના ભૂમિપૂજન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, ગામના અગ્રણીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત થનારા આ શાળા ભવનમાં આઠ આધુનિક વર્ગખંડો, આચાર્યની ઓફિસ, સ્ટાફ રૂમ, શિક્ષણેતર વિવિધ પ્રવૃત્તિઓ તેમજ એન.સી.સી. માટે ખાસ રૂમ અને વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અલગ શૌચાલય બ્લોકની સુવિધા હશે. આ ઉપરાંત, સમગ્ર બિલ્ડિંગમાં અગ્નિશમન માટેની સંપૂર્ણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ શાળા ભવનનું બાંધકામ પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે શાળાના સત્તાધીશોને સુપ્રત કરવામાં આવશે. નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શિક્ષણ, સ્વાસ્થ્ય, પશુપાલન, સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પણ સતત નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

 

(4:52 PM IST)