<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાપમા સતત વધારોઃ ભારે પવનથી ગિરનાર રોપ-વે બંધ

મહત્તમ તાપમાનનો પારો દરરોજ ઉંચે જતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પવનનું જોર વધતા ગીરનાર રોપ-વે બંધ કરી દેવાયો છે.

છેલ્લા ચારેક દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય, તેમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજયના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ પહોંચી જતા આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તેવામાં રાજકોટમાં ઓરેન્‍જ એલર્ટની આગાહીના પગલે મહત્તમ તાપમાન ૪૪.પ ડીગ્રી નોંધાયું છે.

જયારે અમરેલીમાં ૪૩.૮, અમદાવાદ અને ડીસામાં ૪૩.પ ડીગ્રી તેમજ ગાંધીનગરમાં ૪૩.૪ અને ભૂજમાં ૪ર.૪ ડીગ્રી સહિત ૧ર શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર નોંધાતા લોકો અકળાય ઉઠયા હતાં. ત્‍યારે હવામાન વિભાગે આગામી ૩ મે થી ૬ મે દરમિયાન રાજયના છૂટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.   બીજા દિવસે પણ ગિરનાર પર ભારે પવનથી સવારથી રોપ-વે સેવા  બંધ રહી હતી.

છેલ્લા બે દિવસથી ગિરનાર પર્વત પર ભારે ભવન ફૂંકાઈ રહ્યો છે. બુધવારે ગિરનાર પર ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અને આજે સવારે પણ એટલી જ ઝડપથી પવન ભુકાતા ગિરનાર રોપ-વે સેવા સવારથી બંધ રાખવાની ફરજ પડી હતી.

હાલ વેકેશનના દિવસો ચાલી રહ્યા છે તેના પગલે જૂનાગઢની મુલાકાતે આવતા લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી ગિરનાર રોપ-વે બંધ રહેવાના કારણે પ્રવાસીઓને પરત ફરવું પડી રહ્યું છે.

દરમિયાન બુધવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યા બાદ રાત્રીનું તાપમાન વધીને ૨૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે સવારે લઘુતમ તાપમાન પણ વધારા સાથે ૨૫.૪ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજ ૭૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૬ કિલોમીટરની રહી હતી. (પ-૧૦)

કયાં, કેટલી ગરમી ?

કંડલા       ૪પ.૪

રાજકોટ     ૪૪.પ

અમરેલી    ૪૩.૮

અમદાવાદ ૪૩.પ

ડીસા               ૪૩.પ

ગાંધીનગર ૪૩.૪

સુરેન્‍દ્રનગર ૪૩.૩

ભુજ        ૪ર.૪

વ. વિદ્યાનગર      ૪ર.૧

જુનાગઢ    ૪ર

વડોદરા    ૪૧.૬

કેશોદ  ૪૦

(11:27 AM IST)