<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અમરેલીના કણકોટની નિરાલી પર રેલનગરમાં માવતરના ઘર પાસે પતિ ધર્મેશનો છરીથી હુમલો

પંદર દિવસ પહેલા પતિ જ અહિ મુકી ગયો હતોઃ તે કામધંધો કરતો ન હોઇ સાસુએ ઠપકો આપતાં નીકળી ગયોઃ સાંજે પત્‍નિ દૂધ લેવા નીકળતાં તૂટી પડયોઃ પતિ ખોટી શંકા કરી હેરાન કરતો હોવાનો, કામધંધો નહિ કરતો હોવાનો આક્ષેપ : જતાં જતાં ધમકી દીધી કે રાજકોટમાં રહેવા નથી દેવી, ઘોબા ઉપાડી લેવા છે

 

રાજકોટ તા. ૧: અમરેલીના કણકોટ ગામે સાસરૂ ધરાવતી નિરાલીબેન ધર્મેશ સરવૈયા (ઉ.વ.૨૪) કેટલાક દિવસથી રાજકોટ રેલનગર ભગીની ટાઉનશીપમાં માતા રેખાબેન, પિતા ડાયાભાઇ સિતાપરાના ઘરે રોકાઇ હોઇ ગત સાંજે તે અહિથી બહાર દૂધ લેવા માટે નીકળી ત્‍યારે છુપાઇને બેઠેલા પતિ ધર્મેશે છરી સાથે ધસી આવી હુમલો કરી દેતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં પતિ ભાગી ગયો હતો.

લોહીલુહાણ હાલતમાં નિરાલીબેનને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ કહ્યું હતું કે મારા લગ્ન ધર્મેશ સાથે ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી છે. અમે અમરેલીના કણકોટ ગામે રહીએ છીએ. પણ હાલ પતિ સુરત તેના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો છે. પંદરેક દિવસ પહેલા પતિ જ મને મારા માવતરે મુકી ગયો હતો. તે હાલમાં કામધંધો કરતો ન હોઇ મારા મમ્‍મીએ તેને આ બાબતે ઠપકો આપતાં તે મને મુકીને જતો રહ્યો હતો. ગત સાંજે હું દૂધ લેવા નીકળી ત્‍યારે મારા મમ્‍મીએ ઠપકો આપ્‍યો હોઇ તેનો ખાર રાખી મારા પર હુમલો કર્યો હતો.

નિરાલીબેને આક્ષેપ કર્યો હતો કે મારા પર ખોટી શંકા કરીને તે હેરાન પરેશાન કરે છે. અગાઉ પણ આ રીતે એક શખ્‍સ સાથે મારુ નામ જોડીને એ શખ્‍સ પર તેણે હુમલો કર્યો હતો. ગત સાંજે મારા પર હુમલો કરી તેણે ધમકી આપી હતી કે રાજકોટમાં તને રહેવા જ દેવી નથી, ઘોબા ઉપાડી લેવા છે.  હુમલો કરી ધમકી આપી તે ભાગી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ અજાણ કરતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

 

(11:28 AM IST)