<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

મોરબીના ખાખરાળામાં આશાસ્‍પદ યુવકની છરી ઝીંકી હત્‍યા

રાજકોટમાં અભ્‍યાસ કરતો અને જીપીએસસીની તૈયારી કરતો કિશન કરોતરા વેકેશન હોય ગામડે આવ્‍યો તોઃ હત્‍યાના કારણ અંગે તપાસનો ધમધમાટ હત્‍યારા સાગર ઉર્ફે મુળુ ડાંગરે બંદુક માંથી ફાયરીંગ કરી હત્‍યાનો પ્રયાસ કર્યો પણ ગોળી નહીં છુટતા છરી સાથે તુટી પડયો

તસ્‍વીરમાં હત્‍યાનો ભોગ બનનાર કિશન કરોતરાની ફાઇલ તસ્‍વીર અને ઘટના સ્‍થળે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧: મોરબીના ખાખરાળા ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્‍યા થઇ હોવાનો બનાવ સામે આવ્‍યો છે. આ મામલે જાણ થતાં પોલસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ખાખરાળા ગામે રબારી વાસમાં ગત રાત્રીના સમયે કિશન જગદીશભાઇ કરોતરા ઉર્ફે કાનો નામના આશાસ્‍પદ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્‍યા થઇ છે. આ યુવાન રર વર્ષનો હતો અને તે રાજકોટ બીએડનો અભ્‍યાસ કરી રહયો હતો. આ સાથે તે જીપીએસસીની તૈયારી કરતો હોવાનું જાણવા મળી રહયું છે.

બીજી તરફ યુવાન વેકેશન હોવાથી બે દિવસ પુર્વે જ ગામમાં આવ્‍યો હતો. તેની હત્‍યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો છે. વધુમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી હત્‍યા પાછળનું કારણ જાણવા તપાસ આદરી છે.

દરમિયાન હત્‍યાના આ બનાવ અંગે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા જગદીશભાઈ સામતભાઈ કરોતરાએ આરોપી સાગર ઉર્ફે મૂળું આયદાનભાઈ ડાંગર રહે.ખાખરાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો ૨૧ વર્ષીય પુત્ર કિશન હાલમાં રાજકોટ ખાતે બીએડનો અભ્‍યાસ કરે છે. હાલમાં વેકેશન હોય કિશન ઉ.૨૧ ગઈકાલે સવારે જ ઘેર આવ્‍યો હતો અને તેમના કુટુંબીજનો સાથે રાત્રે બજારમાં હાજર હતો ત્‍યારે આરોપી સાગર ઉર્ફે મૂળુ ત્‍યાં ધસી આવ્‍યો હતો અને પોતાના પાસે રહેલી બંદૂક વડે ફાયરિંગ કરી કિશનની હત્‍યા કરવા કોશિશ કરી હતી. જો કે, બંદૂકમાંથી ગોળી નહિ છૂટતા આરોપી સાગર ઉર્ફે મૂળુએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી ઉપરા છાપરી ઘા ઝીકી દેતા કિશનને  ગંભીર ઈજાઓ પહોંચતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડી ન હતી. જો કે, હત્‍યા અંગેનું કારણ હજુ સામે આવ્‍યું નથી. મળતક બે ભાઈઓમાં સૌથી મોટો હોવાનું સામે આવ્‍યું છે.

(11:37 AM IST)