<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

જોરાવરનગરની સગીરાને ભગાડી જનાર એક વર્ષ કર્ણાટકથી ઝડપાયો

વઢવાણ, તા.૨: ગ્રામ્‍યમાં વર્ષ ૨૦૨૪માં માતાના ઘરે આવેલી સગીરા જોરાવરનગર તેની બહેનને ત્‍યાં આવી હતી. જયાંથી મુળ કર્ણાટકનો શખ્‍સ તેને ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં એક વર્ષ પછી પોલીસે કર્ણાટકમાંથી આરોપી અને ભોગ બનનારને ઝડપી લીધા છે.ધ્રાંગધ્રા ગ્રામ્‍યમાં રહેતા પરીવારની મહિલાની પુત્રી તેના ભાઈના ઘરે કર્ણાટક રહે છે. વર્ષ ૨૦૨૪માં આ સગીર પુત્રીએ ધો.૧૦ની પરિક્ષા આપી હોવાથી વેકેશનમાં તે ધ્રાંગધ્રા ગ્રામ્‍યમાં તેની માતાને ત્‍યાં આવી હતી. જયાં એક-બે દિવસ રોકાયા બાદ તેને નહી ફાવતા સગીરાને જોરાવરનગર રહેતા તેના બહેન-બનેવીને ત્‍યાં મોકલવામાં આવી હતી. જયાંથી તા. ૫-૫-૨૪ના રોજ બપોરે સગીરા ઘરેથી કયાંક ચાલી ગઈ હતી. તપાસ કરતા રાયપુર જિલ્લાના દેવદુર્ગા તાલુકાના ગબ્‍બુર ગામના રામુ અયપ્‍પા સીંગરી સાથે સગીરા બે મહિના પહેલા ફોનમાં વાત કરતી હતી. આથી પરીવારે તેને ઠપકો પણ આપ્‍યો હતો. આથી રામુના ઘરે તપાસ કરતા તે પણ હાજર હતો નહી. આથી સગીરાની માતાએ રામુ અયપ્‍પા સીંગરી સગીરાને ભગાડીને લઈ ગયાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી હતી.

આ બનાવમાં પ્રાથમીક તપાસ સ્‍થાનીક પોલીસે કર્યા બાદ સગીરાની ભાળ ન મળતા વધુ તપાસ અર્થે આ કેસ એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને સોંપાયો હતો. જેમાં ટેકનીકલ સેલના પીએસઆઈ અનીલ નાયર સહિતનાઓને મોબાઈલના લોકેશન, સીડીઆર તપાસને આધારે આરોપી કર્ણાટકમાં હોવાની બાતમી મળી હતી. આથી પીઆઈ એચ.એમ.પુવારના સુપરવીઝન હેઠળ પીએસઆઈ એમ.આર.ગોહીલ, ઋતુરાજસીંહ, જયપાલસીંહ, શીતલબેન સહિતની ટીમે કર્ણાટકના રાયપુર જિલ્લાના દેવદુર્ગા તાલુકાના ગબ્‍બુર ગામે જઈ આરોપી અને ભોગ બનનારને ઝડપી લીધા હતા. ભોગ બનનારને તેની માતાના હવાલે કરાઈ છે. જયારે આરોપીની પુછપરછ કરતા તે સગીરાને લઈને મુંબઈ અને ત્‍યાંથી કર્ણાટક ગયો હતો. પોતે સેન્‍ટીંગનું કામ કરીને સગીરાનું ભરણપોષણ કરતો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવા જોરાવરનગર પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.(૨૩.૩)

(10:10 AM IST)