<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક વચ્‍ચે ઝપાઝપી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૨ : કાળુભા રોડ ઉપર આવેલ ઇન્‍ડિયન બેંકમાંથી મહેન્‍દ્રભાઈ નંદલાલભાઈ મકવાણા અને હર્ષાબેન મકવાણાએ વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૨૦ માં અલગ અલગ ખાતામાંથી હોમ લોન અને બિઝનેસ લોન પેટે રૂ.૨,૭૬,૫૦,૦૦૦/- ની લોન લીધી હતી અને લોનની સિકયુરિટી માટે પોતાની બે મિલકત એલઆઇજી નં.૮૪,શેરી નં. ૦૬ શાષાીનગર તેમજ માતળધામ સોસાયટીમાં આવેલી મિલકત માર્ગેજ પેટે મૂકી હતી. આ લોન ભરપાઈ કરવામાં ન આવતા ઇન્‍ડિયન બેંકની મુખ્‍ય શાખા દ્વારા સરફેસી કાયદા હેઠળ મિલકતનો કબજો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચીફ કોર્ટ મારફત મિલકતનો કબજો મેળવવા અરજી કરી હતી, કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા ગીરો રાખેલ મિલકતનો કબજો લેવા માટે  બેંકના મેનેજર સહિતનો સ્‍ટાફ પોલીસ તેમજ કોર્ટ કમિશનરને સાથે રાખીને ગયા હતા ત્‍યારે શાષાીનગરમાં આવલ એલ.આઇ.જી. શેરી નં.૬ ન મકાનમાં મકાન માલિક મહેન્‍દ્રભાઈ મકવાણા, તેમના ભાડુઆત નરેશભાઈ ચાવડા સહિતનાએ બેન્‍ક અધિકારીની ફરજમાં રૂકાવટ કરી ઘરમાં પ્રવેશ કરવા નહીં દેતા બોલાચાલી અને મારામારી થઈ હતી.

આ બનાવ અંગે ઇન્‍ડિયન બેંકના મેનેજર શુભાન્‍કર વિરેન્‍દ્રકુમાર ભારદ્વાજે મકાન માલિક મહેન્‍દ્રભાઈ મકવાણા તેના ભાડુઆત નરેશભાઈ ચાવડા, રાજ અને ભાવિન વિરુદ્ધ એક સંપ કરી બેંકના સ્‍ટાફને દરવાજે રોકી મિલકતનો કબજો લેવા ન દઈને ફરજમાં રૂકાવટ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાવી છે. જ્‍યારે સામા પક્ષે નરેશભાઈ દેવજીભાઈ ચાવડાએ બેંકના અધિકારી શુભાંકર ભારદ્વાજ અને રાહુલ રાણા વિરુદ્ધ મકાનનો કબજો લેવા માટે કોર્ટનો હુકમ બતાવ્‍યો હોવા છતાં હુકમ વાંચી ફેકી દઈ સામાન વેર વિખેર કરી નાખી જ્ઞાતિ વિશે અપમાનિત કરી ગાળો આપી માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. (૪.૧૯)

(11:02 AM IST)