<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ઓળક સીમમાં છ ઘેટાંની ચોરી બાદ કતલ કરવાના કેસમાં આરોપીને પકડો

વઢવાણ, તા.૨: પશુપાલક ઘેટા લઈને લખતરની ઓળક ગામની સીમમાં ગત તા. ૧૪-૪ના રોજ રાત્રી રોકાણ માટે રહ્યા હતા. જેમાં ૪૨ હજારની કિંમતના ૬ ઘેટા ચોરાયા બાદ તેની કતલ કરાયાની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાઈ હતી.

આ બનાવમાં આરોપી ફરિયાદીને ધમકી આપતા હોવાની રાવ સાથે કલેકટર કચેરીમાં ગુરૂવારે રજૂઆત કરાઈ છે.કચ્‍છના રાપર તાલુકાના ધબળા ગામના સામતભાઈ વેલાભાઈ અજાણા પશુપાલન કરે છે.

પાંચેક માસ પહેલા તેઓ ઘેટા-બકરા લઈને અલગ-અલગ વીસ્‍તારમાં ચરાવવા નીકળ્‍યા હતા. જેમાં ૧૪-૪ના રોજ તેઓ લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં જગાભાઈ ધુડાભાઈના ખેતરમાં રાત રોકાયા હતા. સવારે ૫ કલાકે જાગીને જોતા તેઓના ૬ ઘેટા ઓછા હતા. જયારે ખેતરમાં પગરખાના નિશાન અને બાઈકના વ્‍હીલના ચીલા જોવા મળ્‍યા હતા.

આથી તેઓએ અજાણ્‍યા શખ્‍સો સામે રૂપિયા ૭ હજારની કિંમતનું ૧ એવા ૪૨ હજારના ૬ ઘેટા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાવી છે.

લખતર પોલીસે બનાવની તપાસ કરતા ઓળકની સીમથી અંદાજે ૨ કિમી દુર છારદની સીમમાં ઘેટા મળત હાલતમાં મળી આવ્‍યા હતા.

આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરિયાદીને પોલીસ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપતા હોવાની રાવ સાથે પશુપાલકો ગુરૂવારે કલેકટર કચેરીએ દોડી આવ્‍યા હતા.

વિચરતા પશુપાલકનો છેક વિરમગામ સુધી પીછો કરી તેઓને તથા પશુઓને મારી નાંખવાની ધમકી અપાતી હોવાથી આરોપીઓને ઝડપથી પકડવા માંગ કરાઈ છે.

(11:37 AM IST)