News of Saturday, 3rd May 2025
સુરેન્દ્રનગરઃ ગેડિયા એન્કાઉન્ટર કેસમાં પી.એસ.આઇ. સહિત સાત પોલીસ કર્મચારીઓની રિવિઝન અરજીને અદાલતે ફગાવી દીધી
ગેડિયા ગેંગના મુખ્ય સુત્રધાર હનીફખાન અને તેના પુત્ર મદિનખાનના ચકચારી એન્કાઉન્ટર પોલીસ વિરૂધ્ધ થયેલ ફરિયાદની તપાસ રોકવા સ્ટે મેળવવા રિવિઝન અરજી કરી હતીઃ ધ્રાંગધા કોર્ટનો ચુકાદો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા વાહનોમાંથી ચાલુ વાહને ચોરી કરતી ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધાર હનીફખાન ગેડીયા તેના ઘરે હોવાની બાતમીને આધારે બજાણા પીએસઆઈ સહીતનાઓ તા. ૬-૧૧-૨૧ના રોજ તેને પકડવા ગયા હતા. જેમાં સામ-સામે ફાયરીંગ થતા હનીફખાન અને તેના પુત્ર મદીનખાનનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયુ હતુ. આ બનાવમાં તા. ૧૭-૪ના રોજ કોર્ટે પીએસઆઈ સહિત ૭ પોલીસ કર્મી સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે. ત્યારે આ હુકમ રદ્દ કરવા પોલીસ કર્મીઓએ કરેલી રીવીઝન અરજી કોર્ટે નામંજુર કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે વર્ષ ૨૦૨૧માં ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધાર હનીફખાન ઉર્ફે કાળા મુન્નો અમીરખાન જતમલેક સહીત ૨૦ શખ્સો સામે ગુજસીટોક બદલ ગુનો નોંધ્યો હતો. આ ગુનાના આરોપીઓમાંથી ૧૭ શખ્સો પોલીસની પકડમાં આવી ગયા હતા. જયારે ફરાર ૩ આરોપીઓમાંના એક અને મુખ્ય સુત્રધાર હનીફખાન જતમલેક ગેડીયામાં તેના ઘરે હોવાની બાતમી મળતા બજાણા તત્કાલીન પીએસઆઈ વી.એન.જાડેજા સહીતની ટીમે રાતના તા. ૬-૧૧-૨૧ના રોજ રાત્રે રેડ કરી હતી. જેમાં પોલીસને જોઈ નાસવા જતા હનીફખાને પોલીસ પર ફાયરીંગ કર્યુ હતુ. જયારે તેના પુત્ર મદીનખાને ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વરક્ષણમાં ફાયરીંગ કરતા હનીફખાન અને તેના પુત્ર મદીનખાનનું મોત થયુ હતુ.
આ બાબતે મળતકના પરીવારજન સુહાનાબેન હનીફખાન જતમલેક સહિતનાઓએ પાટડી કોર્ટમાં કેસ કરાતા કોર્ટે તા. ૧૭-૪-૨૫ના રોજ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ સામે બજાણા પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવા અને ડીવાયએસપી કક્ષાના અધીકારીને તેની તપાસ સોંપવા હુકમ કર્યો હતો.
આ હુકમ બાદ તા. ૨૮-૪ ના રોજ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓએ ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જેમાં કોર્ટે કરેલા આ હુકમને રદ્દ કરવા અથવા તો સ્ટે આપવા માંગણી કરી હતી. ત્યારે વકીલ પુનીત દવેની દલીલોને ધ્યાને લઈ જજ એન.એન. વસવેલીયાએ આ રીવીઝન અરજી રદ્દ કરવાનો હુકમ કર્યો છે. અને તા. ૧૭-૪ના રોજ પાટડી કોર્ટ દ્વારા કરાયેલ હુકમને માન્ય રખાયો છે.
કોની કોની સામે પોલીસ ફરિયાદ નોંધવા પાટડીની ચીફ કોર્ટમાંથી હુકમ થયો હતો ?
ગેડીયા એન્કાઉન્ટર કેસમાં પાટડી ચીફ કોર્ટે તત્કાલીન પીએસઆઈ વી.એન. જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ, શૈલેષભાઈ પ્રહલાદભાઈ, કીરીટભાઈ ગણેશભાઈ, દિગ્વીજયસીંહ હરદીપસીંહ, પ્રહલાદભાઈ પ્રભુભાઈ, મનુભાઈ ગોવિંદભાઈ સામે બજાણા પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમને કાયમ રાખતો ચુકાદો શુક્રવારે એડીશનલ સેશન્સ કોર્ટે આપ્યો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
