<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વિરપુર પાસે અકસ્‍માતમાં ઘાયલ રાજકોટના દંપતિને સમયસર હોસ્‍પિટલ પહોંચાડી નવજીવન આપ્‍યું

રાજકોટ જીલ્લા ટ્રાફીક પોલીસની સરાહનીય કામગીરી

હોસ્‍પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્‍ત સાથે જીલ્લા ટ્રાફિક પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ કિશન મોરબીયા- વિરપુર)

 (કિશન મોરબીયા દ્વારા) વિરપુર, તા.૩: જેતપુર- રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે અકસ્‍માત સર્જાતા પતિ પત્‍નીને ઇજા થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ રાહ જોયા વગર રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસે પોતાની પોલીસ વેન બોલેરો કારમાં દંપતીને હોસ્‍પિટલે ખસેડી સમયસર સારવાર અપાવી નવજીવન આપ્‍યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર ચરખડી પાટિયા અને વીરપુરની વચ્‍ચે બાઇક સ્‍લીપ થયું હતું જેમાં બાઇકમાં સવાર પતિ-પત્‍ની નીચે પટકાતા ઈજાગ્રસ્‍ત થયા હતા. અકસ્‍માત દરમિયાન બાઈક સ્‍લીપ થતા પતિ પત્‍ની બને ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ અકસ્‍માત સર્જાયો ત્‍યારે અનેક રાહદારીઓ, વાહન ચાલકો ત્‍યાં ઉભા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની રાહ જોતા હતા તે દરમિયાન રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ એસ.વી.ચુડાસમા, હેડ કોન્‍સ્‍ટેબલ મહાવીરસિંહ જાડેજા, વિરભદ્રસિંહ ઝાલા,ડ્રાઈવર ધમભા પરમાર, રાહુલ રાઘવાણી સહિતના પેટ્રોલીંગ માટે નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે આ દંપતીનું બાઇક સ્‍લીપની ઘટના ધ્‍યાનમાં આવતા જીલ્લા ટ્રાફિક પોલીસે પોતાની કર્મનિષ્ઠ ફરજ અદા કરી સરાહનીય કામગીરી કરી તાત્‍કાલિક દંપતીને પોલીસ બોલેરો વેનમાં બેસાડી વીરપુર સરકારી હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા.

મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્‍ત દંપતિનું નામ કેતનભાઈ પરમાર અને પૂનમબેન પરમાર છે અને તેઓ રાજકોટના રહેવાસી છે અને પતિ પત્‍ની બને પોતાનું બાઇક લઈને જુનાગઢ જતા હતા ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માત સર્જાતા ટ્રાફિક પોલીસે તેમને સારવાર માટે વીરપુર સરકારી સિવિલ હોસ્‍પિટલ પહોચાડ્‍યા ત્‍યાંથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્‍યા હતા.

રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસે સેવા,સુરક્ષા,શાંતિ ના સૂત્રને ખરા અર્થમાં સાબિત કર્યું હતું અને પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

(12:02 PM IST)