<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

મોરબીના અમરાપર ખાતે જિલરીયા પરિવાર આયોજીત મોમાઈ માતાજીનો ભવ્ય પાટોત્સવ : શંકરાચાર્યજીની પ્રેરક ઉપસ્થિતિ.

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને 15 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ધાર્મિક આયોજન : નવચંડી યજ્ઞ પણ યોજાયો : મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અમરાપર ખાતે વરજાંગભાઈ જિલરીયા પરિવાર દ્વારા નિર્મિત મોમાઈ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 15 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.

આ વેળાએ આયોજક વરજાંકભાઈ રાણાભાઈ જીલરીયાએ જણાવ્યું કે અમે 2010માં આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ માઁ કનકેશ્વર દેવીના હસ્તે કર્યો હતો. તેમના દ્વારા ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મહોત્સવને 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે 15મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આ પાટોત્સવ શરદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજ પધાર્યા છે. સાથે નવચંડી યજ્ઞ પણ થઈ રહ્યો છે.
શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજે જણાવ્યું કે રાજનીતિ ધર્મ અનુસાર સંચાલિત હોવી જોઈએ. રાજનીતિનો અર્થ જ રાજ્યને નીતિ પૂર્વક સંચાલિત કરવું છે. નેતા એટલે જે સમાજને કલ્યાણના માર્ગે ચલાવે. પહેલગામ હુમલા વિશે તેઓએ જણાવ્યુ કે ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી જે દુઃખદ ઘટના છે. આતંકવાદી કળિયુગના રાક્ષસ છે. તેઓ આપણા દેશનું ઐશ્વર્ય જોઈ શકતા નથી.
દેશના નાગરિકોએ એક થઈને સરકાર અને સેનાનું મનોબળ મજબૂત બનાવવું જોઈએ. જેથી દરેક આતંકવાદીને શોધીને સજા આપી શકીએ.
મોરબી તાલુકાના અમરાપર ગામે આજે વરજાંગભાઈ જીલરીયા તથા સમસ્ત જીલરીયા પરિવાર દ્વારા મોમઇ માતાજીના મંદિરેનો 15 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં શારદા પીઠાધશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુડારીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા બગથળા નકલંક મંદિરના મહંત પુ. દામજી ભગત જીલ્લા ભાજપ મહામંત્રી સર્વેશ્રી જેઠાભાઇ મીંયાત્રા, કે. એસ. અમૃતીયા, નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ લાખાભાઇ જારીયા, શહેર ભાજપ પ્રમુખ રિષિપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંજારીયા સહિતના અગ્રણીઓ તેમજ વસંત વિહાર ફાર્મહાઉસમાં  જગતગુરુ શંકરાચાર્યએ જ્યાં ઉતારો કર્યો હતો તે ફાર્મહાઉસના માલીક અને જયદીપ ગ્રુપ ઓફ કંપનીઝ ના દિલુભા જાડેજા, જયુભા જાડેજા સહીત અનેક સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જગદ ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.

(11:23 PM IST)