News of Monday, 5th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં આછા વાદળા છવાયાઃ પવનનું જોર વધ્યુ
કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતીતઃ કેરી, ઘઉં, કપાસ સહિતના પાકને સલામત રાખવા અપીલ

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જીલ્લામાં માવઠુ વરસ્યુ હતું.
આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આછા વાદળા છવાયા છે અને પવનનું જોર વધ્યુ છે. કેરી, ઘઉં, કપાસ સહિતના પાકને સલામત રાખવા ખેડૂતોને અપીલ કરાઇ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. હવામાન વિભાગ આઇ જુનાગઢ સહિતના વિસ્તારોમાં પાંચ દિવસમાં ગાજવીજ સાથે કોમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે આજે સવારથી જુનાગઢ સહિત સોરઠમાં વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. વાતાવરણમાં ભેજ વધીને ૭૬ ટકા થઈ ગયો હતો અને પવન ૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વાતાવરણમાં પલટો આવતા તાપમાન પર બ્રેક લાગી છે. આજે સતત બીજા દિવસે પણ જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ પ્રવર્તે છે રવિવારની રાત્રે જુનાગઢનું તાપમાન વધીને ૨૯ ડિગ્રી થઈ જતા લોકોને આખી રાત ગરમીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે વાતાવરણમાં ૭૬ ટકા ભેજ વચ્ચે લઘુતમ તાપમાન પણ વધીને ૨૬.૮ ડિગ્રીએ પહોંચી જતા સવારથી ઉકળાટ અને બફારો વધ્યો છે. જેના પરિણામે ગમે ત્યારે વરસાદની એન્ટ્રી થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
બીજી તરફ આજે સવારથી ૧૦.૫ કિલોમીટરની પવન પણ ફૂંકાઈ રહ્યો છે. માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી પાંચ દિવસ માવઠાની સંભાવના છે. જેના પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો અને બાગાયતી પાકો કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭.૮, મહત્તમ તાપમાન ૩૯, ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતિ ૧ર.૮ કિ. મી. રહી હતી.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : ગુજરાત રાજય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ તા. ૬ મે સુધી હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી અન્વયે સાવચેતીના જરૂરી પગલાઓ લેવા અમરેલી જિલ્લા આપતી વ્યવસ્થાપન તંત્ર, નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
સુરેન્દ્રગનર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ભારે તાપ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજયના અમુક જિલ્લાઓમાં કમૌસમી વરસાદની આગાહી કરી હતી.
જેને પગલે શનીવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. જિલ્લાની સરહદે આવેલા વિરમગામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેની અસર રૂપે જિલ્લામાં રવીવારે સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ. અને વિરમગામને અડીને આવેલા દસાડા તાલુકાના અમુક ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
જો કે, સવારે ૧૦ કલાક પછી જિલ્લાભરમાં સુર્યનારાયણે ફરી આકાશમાંથી અગન વર્ષા શરૂ કરી દીધી હતી. હવામાન વિભાગ દ્વારા આજે તા. ૫ મેના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમૌસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે. બીજી તરફ વરસાદને લીધે ઉનાળુ તલના પાકને નુકશાન થવાની શકયતાથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
જુનાગઢ
હવામાન ખાતા દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૦૬-૦૫-૨૦૨૫ થી તા.૦૮-૦૫-૨૦૨૫ દરમિયાન પવન સાથે છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), અને બાગાયતી પાકો માટે નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢ નો સંપર્ક કરવા તેમજ કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
