<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ગોંડલના ભોજપરા ગામે ગોડાઉનમાંથી તસ્‍કરો ર૦૦ મણ ઘઉં ચોરી ગયા

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. પઃ..  ગોંડલ તાલુકા નાં ભોજપરા ગામે ખેડુતનાં ગોડાઉનમાં રાખેલા રૂા.૧ લાખની કિંમત નાં ૨૦૦ મણ ઘઉં કોઇ તસ્‍કરો ગોડાઉનનાં તાળા તોડી ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ માં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ ભોજપરા રહેતા મહેશભાઈ જેરામભાઇ સોરઠીયા નાં ખેતર માં વાવેલા ૨૬૦ મણ ઘ઼ઉં તેમના મિત્ર ભાર્ગવભાઇનાં બંધ પડેલા જલારામ જીનીંગ માં રાખ્‍યા હતા.મહેશભાઈ મિત્ર નાં બંધ જીનીંગનો ગોડાઉન તરીકે ઉપયોગ કરેછે.ગત તા.૨૧નાં મહેશભાઈ  ગોડાઉન માં ખેતીનાં સાધનો મુકવા ગયા હતા.

બાદમાં તાળુ મારી પરત ફર્યા હતા. બાદમાં તા.૨૫ની રાત્રે ઘઉં ભરવા જતા ગોડાઉન નું તાળુ તુટેલુ હોય અંદર જઇ નજર કરતા ઘઉં વેરવિખેર હતા. તપાસ કરતા અંદાજે ૨૦૦ મણ ઘઉંની ચોરી થયાનું જણાતા બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)