<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જૂનાગઢના મજેવડીના યુવકની હત્‍યા કરનાર શખ્‍સોને પકડવા પોલીસની ૩ ટીમની કવાયત

તાલુકા, એલસીબી, એસઓજી દ્વારા જુદી જુદી દિશામાં તપાસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૫: જુનાગઢ તાલુકાના મજેવડીના ૨૫ વર્ષીય રિયાઝ અલારખાભાઈ ભટ્ટીની હત્‍યા કરી નાસી છૂટેલા શખ્‍સોને પકડવા પોલીસની ૩ ટીમ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી છે પરંતુ આરોપીઓ ફરાર રહેવામાં સફળ રહેતા તપાસ તેજ કરવામાં આવી છે.

જૂનાગઢ નજીકના મજેવડી ગામમાં રહેતા રિયાઝ અલારખાભાઈ ભટ્ટીને ગામમાં જ દૂધની ડેરી પાસે કારખાના સામે આંતરી સદ્દામ કાસમ સિપાઈ, સમીર સલીમ ઉર્ફે ચકો હોથી અને રાજકોટનો મનીષ ઉર્ફે ભોથીયો નામનો શખ્‍સ તલવાર, છરી વડે હુમલો કરી હત્‍યા નિપજાવી નાસી ગયા હતા. પોલીસે મળતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી આરોપીઓને પકડવા શનિવાર રાતથી પોલીસે દોડધામ શરૂ કરી દીધી હતી.

ડીવાયએસપી હિતેશ ધાંધલયાએ જણાવ્‍યું કે, યુવાનના હત્‍યારાઓની ધરપકડ માટે તાલુકા પોલીસ તેમજ એલસીબી, એસઓજીની ટીમ તપાસ કરી રહી છે પરંતુ આરોપી હાથ લાગ્‍યા નથી. ગમે ત્‍યાંથી હત્‍યારાને શોધી કાઢવા પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે.

(2:01 PM IST)