News of Tuesday, 6th May 2025
જસદણમાં માવઠું થતા જ વીજ ધાંધીયા
આખી રાત વીજ પુરવઠો ચાલુ બંધ થતા લોકોને હાલાકી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૬: જસદણ શહેરમાં ગઈકાલે સાંજે માવઠામાં સામાન્ય વરસાદના પડતા જ વીજ ધાંધિયા શરૂ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જસદણ શહેરમાં ગઈકાલે સાંજે પાંચ કલાકે આસપાસ પવન સાથે વરસાદના સામાન્ય છાંટા પડતા જ વીજ પુરવઠો ગુલ થયો હતો. સાંજે ૫-૩૦ કલાકે વીજ પુરવઠો ગુલ થઈ ગયા બાદ રાત્રિના ૭-૩૦ વાગ્યા બાદ વીજ પુરવઠો શરૂ થયો હતો. વીજળી ગુલ થવાથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી બાજુ પીજીવીસીએલ જસદણ કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર સતત કલાકો સુધી વ્યસ્ત હોવાથી લોકો ફોલ્ટ પણ લખાવી શકયા ન હતા. જ્યારે પણ જસદણમાં વીજ પુરવઠો ઠપ થાય છે ત્યારે ફોલ્ટ સેન્ટરમાં સંપર્ક થઈ શકતો નથી. રાત્રે ૭-૩૦ કલાક બાદ વીજ પુરવઠો શરૂ થયા બાદ મોડી રાત્રે ૧૨ વાગ્યાથી વહેલી સવારે ૪ વાગ્યા દરમિયાન પાંચ વખત વીજ પુરવઠો ઠપ થયો હતો. આમ લોકોને અડધી રાત્રે પણ વીજ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને રાત્રે વીજ પુરવઠો નહીં હોવાથી ઉનાળાની ગરમીમાં પંખા અને એસી વગર હાલાકી ભોગવી પડી હતી. હજુ આગામી ત્રણ ચાર દિવસ સુધી માવઠાની આગાહી છે ત્યારે વીજ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપીને માવઠા અને વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો યથાવત ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી અને માગણી છે.(૨૩.૫)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
