<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ભાવનગર-જીલ્લામાં માવઠાથી માઠીઃ મકાનના છાપરા-હોર્ડિંગ્‍સ ઉડયા

મીની વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયોઃ અનેક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયીઃ વિજળી પડતા દિવાલને નુકશાનઃ વિજ ઉપકરણો બળી ગયા

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૫ :.. ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્‍યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેર અને ગ્રામ્‍ય પંથકમાં કરા પણ પડ્‍યા હતા. ડીએસપી કચેરી ખાતે બે વળક્ષો ધરાશાય થયા હતા. શહેરમાં હોડીંગ્‍સ, છાપરા, સોલાર પેનલ ઉડ્‍યા હતા. કુંભારવાડા માં વીજળી પડી હતી. વરસાદ સાથે જ અનેક વિસ્‍તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. શહેરમાં પીજીવીસીએલના ૫૨ ફીટરો બંધ થતા રાતના છ કલાક અંધારપટ રહ્યો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં ભર ઉનાળે વરસાદ પડ્‍યો છે. આગાહી મુજબ જ ગઈકાલે બપોરે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને સાંજે ૫ વાગે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. અચાનક વરસાદ શરૂ થતા રસ્‍તા પરના રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્‍તારોમાં ગટર કામનું ખોદકામ ચાલુ હોય વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

ભાવનગર શહેરના નવાપરા વિસ્‍તારમાં ડીએસપી કચેરી ખાતે વરસાદ દરમિયાન બે વળક્ષો ધરાશય થયા હતા. ભારે પવનને કારણે શહેરમાં અનેક જગ્‍યાએ ર્હોડિંગ્‍સ ઉડ્‍યા હતા. ભાવનગરના ભાલપંથકમાં ભારે વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ચોગઠ કામે વરસાદના કરા પડ્‍યા હતા. ભાવનગર  શહેરમાં પણ કેટલાક વિસ્‍તારોમાં કરા પડ્‍યા હતા. શહેરમાં અચાનક વરસાદી માહોલ ઉભો થતા લગ્ન પ્રસંગ ના આયોજકો માં ચિંતા ની લાગણી ફેલાઈ હતી.

ભાવનગર શહેરના નારી રોડ પર ગઈકાલે યોજાયેલા લગ્ન ના મંડપ તૂટી પડ્‍યા હતા.  જેના ખુલ્લા પાર્ટી પ્‍લોટ માં લગ્ન યોજાયા હતા .તેઓ એ  ભારે હાલાકી ભોગવવી પડી હતી.  શહેરમાં હોડિંગ્‍સ અને છાપરાઓ ઉડ્‍યા હતા.

મકાન પર વીજળી પડી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્‍તારમાં અમર સોસાયટીમાં મકાન પર વીજળી પડી હતી. શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.વીજળી પડતા મકાનની દીવાલનો થોડોક ભાગ ધરાશાઈ થયો હતો. વાયરીંગ ઇલેક્‍ટ્રોનિક્‍સ સામાનને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું તેમજ બાજુમાં રહેલા હીરાના કારખાનામાં પણ વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

૫૨ ફીટરો બંધ થતા રાતના

છ કલાક અંધારપટ

ભાવનગરમાં ૫૦ કિ.મી ની ઝડપે તોફાની પવન ફૂકાતા

શહેર માં પીજીવીસીએલના ૫૨ ફીટરો બંધ થયા હતા અને રાતના છ કલાક અંધારપટ થી લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા.

ઉનાળુ પાકને નુકસાની

ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાની થઈ છે. જિલ્લામાં જુવાર બાજરી અને તલ સહિતના ઉનાળુ પાક ને નુકસાની થી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાય છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ૫૦ ગુણ ડુંગળી પલળી ગઈ હતી.

 વાતાવરણમાં ઠંડક

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલના માવઠા બાદ ગરમી ગાયબ થઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

(10:08 AM IST)