<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ગાજવીજ સાથે માવઠુઃ ઉનાળુ પાકને નુકશાન

ધોમધખતા તાપથી લોકોને રાહતઃ ચોમાસાની જેમ અનેક વિસ્‍તારોમાં વરસાદી પાણી ભરાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ :..  સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરેન્‍દ્રનગર જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને જીલ્લાના અમુક તાલુકાઓમાં ધીમીધારેથી લઈ કમોસમી વરસાદ નોંધાતા એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. પરંતુ વરસાદને પગલે અગરિયાઓ અને ખેડુતોને નુકસાની જવાની ભીતી પણ સેવાઈ રહી છે.મહત્ત્વનું છે કે, ગઈકાલે વાદળછાયા વાતાવરણ વચ્‍ચે લીંબડી, લખતર અને દસાડા તાલુકામાં કમૌસમી વરસાદી ઝાંપટા નોંધાયા હતા.

દસાડા તાલુકાના જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચીકાસર, નગવાડા, સુરેલ, વિસાવડી રસુલાબાદ, હેમતગઢ, મુવાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડતા અગરીયાઓના મીઠાના અગર તેમજ ખેડુતોએ મહામહેનતે કરેલ અજમો, ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકસાની થવાની શકયતા છે.

આ ઉપરાંત લખતર તાલુકાના, વડેખણ, માલીકા, ડેરવાળા, તલસાણા, સાંકળ સહિતના ગામોમાં પણ કમૌસમી વરસાદ પડ્‍યો હતો. તેમજ લીંબડી તાલુકાના નાની કઠેચી, મોટી કઠેચી, ગડથલ સહિતના ગામોમાં કમૌસમી વરસાદ ખાબકયો& હતો. સુરેન્‍દ્રનગર-વઢવાણ શહેરમાં વારંવાર વીજળી ગુલ થઇ જવાની લોકોમાં રાવ ઊઠી રહી છે.

ગઈકાલે દસાડા, લખતર અને લીંબડી પંથકમાં વરસાદ નોંધાયો હતો. આજે ચોટીલામાં માવઠાની અસરથી મુખ્‍ય બજારમાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. આ કારણે વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી.

 સાયલામાં ઢળતી સાંજે અચાનક ભારે પવન સાથે ધૂળની ડમરીઓ વચ્‍ચે વરસાદી માહોલ છવાયો હતો.નેશનલ હાઇવે તથા ગામમાં વંટોળના સામ્રાજ્‍ય વચ્‍ચે જનજીવન ઙ્કભાવિત થયું હતું તેમજ વાહન વ્‍યવહાર ને પણ અસર થવા પામી હતી.સતત અડધી કલાક સુધી સર્વત્ર ઊડતી ધૂળની ડમરીઓ થી ધોળા દિવસે સૂર્ય પ્રકાશ ઓઝલ થતા વાહનોની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ કમોસમી વરસાદ ના માવઠાની અસર જોવા મળી હોય તેમ સુદામડામાં ભારે પવન,ગાજવીજ તેમજ કરા સાથેવરસાદી ઝાપટું પડયું હતું. (પ-૬)

(10:09 AM IST)