News of Tuesday, 6th May 2025
મોટા લીલીયામાં પિતા સાથે ચાલીને જઇ રહેલી ૪ વર્ષની ધ્રુવીનું જનાવર કરડતાં મોત
રેલ્વે સ્ટેશનેથી ચાલીને ઘરે જતી વખતે બનાવઃ દિકરીએ ‘પપ્પા મને કાંટો લાગ્યો' એવુ કહેતાં તપાસ કરતાં સાપ કરડી ગયાની ખબર પડીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૬: અમરેલીના મોટા લીલીયા ગામે કરૂણ બનાવમાં એક પરિવારે લાડકવાયી દિકરી ગુમાવી દીધી હતી. પિતા સાથે ચાલીને ઘરે જઇ રહેલી ચાર વર્ષની બાળકીને પગે જનાવર કરડી જતાં મોત થયું હતું. માસુમ બાળકીને પગમાં કંઇક ખુંચતા તેણે પિતાને પોતાને કાંટો લાગ્યાનું કહ્યું હતું. પણ તપાસ થતાં જનાવર કરડી ગયાનું જણાતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ જીવ બચ્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ મોટા લીલીયા ગામે રહેતાં જગદીશભાઇ પરમાર બે દિવસ પહેલા સાવરકુંડલા ખાતે પોતાના સાસુની ખબર કાઢવા ગયા હતાં. ત્યાંથી રાતે નવેક વાગ્યે લીલીયા રેલ્વે સ્ટેશને આવી ઘરે પગપાળા જતાં હતાં ત્યારે રેલ્વે સ્ટેશન પાસે જ જગદીશભાઇની સાથે રહેલી દિકરી ધ્રુવી (ઉ.વ.૪)એ પોતાને પગમાં કાંટો લાગ્યો છે તેમ કહેતાં પિતાએ તપાસ કરી હતી. પણ આ નિશાન કોઇ જનાવર કરડી ગયુ હોય તેવું હોઇ તુરત જ સારવાર માટે ખસેડી હતી. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર ધ્રુવી એક ભાઇથી મોટી હતી. તેના પિતા સાડીની દુકાનમાં નોકરી કરે છે. લાડકવાયીના મોતથી પરમાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવારી કરી લીલીયા પોલીસને જા ણ કરી હતી. (૧૪.૫)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
